ગાંધીનગર: ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે 15મી જૂન રોજ દેખાવો કરવામાં આવી રહ્યા છે. શહેરના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર સાથે રેલી કાઢીને સાથે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસે જણાવ્યાનુસાર, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને પોલીસ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે.
ખેડૂત રેલીમાં ભારે હોબાળો
આ રેલીમાં હંગામા અને ભારે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. આ ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી લઈ જવાની વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, જેને પગલે પોલીસે કૂચ કરી રહેલા ખેડૂતોને JCBથી અધવચ્ચે જ અટકાવ્યા. પોલીસની આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતો અને કાર્યકર્તાઓએ સ્થળ પર જ ભારે હોબાળો શરૂ કરી દીધો હતો.
રેલીમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ યાત્રાના સંકલન અને આયોજનમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. ખેડૂત અધિકાર રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા.






