ગણેશોત્સવ: મૂર્તિઓ અને શણગારના બજારમાં ઉત્સાહ!

0

અમદાવાદ: ભાદરવા સુદ ચોથ 27 ઓગષ્ટ, બુધવારથી 10 દિવસીય ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેના પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં ગણેશજીની કલાત્મક મૂર્તિઓના વેચાણ માટે વિશાળ બજાર લાગી ગયા છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને સો ટકા માટીની એવી તરત જ વિસર્જન થઈ જાય એવી નાની-મોટી કલાત્મક મૂર્તિઓના બજાર મોટા પ્રમાણમાં લાગ્યા છે.મહારાષ્ટ્ર બાદ સાર્વજનિક ગણેશ મહોત્સવનું ગુજરાતમાં પણ મહત્વ વધ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગણેશજીની ઘરે પણ સ્થાપના કરી શ્રધ્ધાથી ઉજવણી કરે છે. વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓ એક સમયે શહેરના ગુલબાઇ ટેકરામાં જ મોટા પ્રમાણમાં બનતી અને વેચાતી હતી. હવે ચારે તરફ વિસ્તરતા શહેરના જુદા-જુદા ભાગના માર્ગો પર ગણપતિની મૂર્તિઓ બનતી અને વેચાતી જોવા મળે છે.ગામડાંઓમાં પણ સિઝનેબલ ચીજ-વસ્તુઓનો વેપાર-ધંધો કરતાં લોકો હવે મૂર્તિઓની સાથે ઉત્સવની ઉજવણી માટેનો ડેકોરેશન અને પૂજાપાના સામાનનું પણ વેચાણ કરી રહ્યા છે.

આ વર્ષે ગણપતિની મૂર્તિઓ સાથે આર્ટિફિશિયલ ફ્લાવર, હિંચકા સાથેની બેઠક, સિંહાસન, પંડાલની સામગ્રી ડેકોરેશનનો સામાન, ખેસ, પૂજાની સામગ્રીના સ્ટોલ ઉભા થયા છે. ગણેશજીના આસન, રંગબેરંગી તોરણ, મુગટ મળી રહ્યા છે. નિકોલ, નરોડા, નવા વાડજ, બોપલ, વસ્ત્રાપુર, વંદેમાતરમ રોડ સહિતના દરેક વિસ્તારમાં માટીની મૂર્તિઓનું વેચાણ વધ્યું છે. પર્યાવરણની જાળવણી માટે લોકોમાં જાગૃતિ આવી છે. સાથે માટીની મૂર્તિઓનું સરળતાથી વિસર્જન થઈ જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું વિસર્જન યોગ્ય રીતે થતું નથી. જો કે બજારમાં હાલ તો દરેક પ્રકારની મૂર્તિઓનું વેચાણ મોટી માત્રામાં થઈ રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)