દિલ્હીના કેફેમાં 22 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મઃ ત્રણની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં એક કેફેમાં 22 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. પીડિતાએ પોતાના સહ કર્મચારીઓ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસે આ કેસમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસે ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત કુલ છ લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઘટના 23 નવેમ્બરની મોડી રાત્રે બની હતી.

પોલીસના જણાવ્યાનુસાર પીડિતા અને આરોપીઓ પૂર્વ દિલ્હી સ્થિત કડકડડુમા ખાતેના ક્રોસ રિવર મોલમાં આવેલા એક કેફેમાં સાથે કામ કરતાં હતાં. સોમવારે રાત્રે પીડિતા સાત સહ કર્મચારીઓ સાથે પ્રીત વિહાર સ્થિત સોલ્ટનેટ (Saltanate) કેફેમાં પાર્ટી કરવા પહોંચી હતી. ગ્રુપમાં કુલ 8 લોકો સામેલ હતા.

રાત્રે કેફે બંધ થયું, છતાં પાર્ટી ચાલુ રહી

કેફે રાત્રે લગભગ 11:30 વાગ્યે બંધ થઈ ગયું હતું, પરંતુ ગ્રુપમાં સામેલ એક વ્યક્તિ પાસે કેફેની ચાવી હતી. આથી કેફે ફરી ખોલીને પાર્ટી ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ દારૂ પીધો, ડાન્સ કર્યો અને મોડી રાત સુધી ત્યાં હાજર રહ્યા હતા. 24 નવેમ્બરે મંગળવારે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે તમામ લોકો કેફેમાંથી બહાર નીકળ્યા હતા.

બે સહ કર્મચારીઓ પર સામૂહિક દુષ્કર્મનો આરોપ

યુવતીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે પાર્ટી દરમિયાન બે પુરુષ સહ કર્મચારીઓએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ત્યાં હાજર અન્ય સહ કર્મચારીઓએ આ ઘટનામાં બંને આરોપીઓને મદદ કરી હતી. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધ્યો છે.

પીડિતા પોલીસ સુધી કેવી રીતે પહોંચી?

ઘટના બાદ યુવતી તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી નહોતી. સીસીટીવી ફૂટેજમાં તે એક મિત્ર અને અન્ય બે મહિલાઓ સાથે કારમાં જતી જોવા મળી છે. ત્યાર બાદ મંગળવારે સવારે લગભગ 5.45 વાગ્યે તે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે.