ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇ અમેરિકાથી દિલ્હી લવાયો, NIA દ્વારા ધરપકડ

નવી દિલ્હીઃ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અમેરિકાથી દિલ્હી આવી ગયો છે અને એરપોર્ટ પર ઊતરતાં જ NIAના અધિકારીઓએ તેની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે અનમોલને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક અધિકારીએ કહ્યું હતું કે અનમોલ બિશ્નોઇને અમેરિકામાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ, દિલ્હી પહોંચતાની સાથે જ ધરપકડ કરવામાં આવી છે.

બાબા સિદ્દીકી હત્યાકાંડનો મુખ્ય આરોપી

અનમોલ NCP નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડનો મુખ્ય આરોપી છે. તેના સિવાય 2024માં બૉલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરે થયેલી ગોળીબારીના કેસમાં પણ તે વોન્ટેડ છે. આ સમગ્ર ઘટનાક્રમને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે તે વિદેશમાંથી પ્રત્યાર્પણ થનારા ગેંગસ્ટરોમાં અત્યાર સુધીનું સૌથી મોટું નામ માનવામાં આવે છે.

અનમોલ પર દેશભરમાં અનેક કેસ નોંધાયેલા છે. બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં પણ તે વોન્ટેડ આરોપી હતો. 12 ઓક્ટોબર 2024એ બાંદ્રામાં સ્થિત તેમના કચેરીના બહાર ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે અને અત્યાર સુધી 26 લોકોને ધરપકડ કરવામાં આવી ચૂકી છે.અનમોલ, પંજાબી ગાયક સિદ્ધૂ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ્સમાંનો પણ એક છે, જેની 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અનમોલના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઇના ગેંગ સાથે જોડાયેલા અનેક લોકોની આ હત્યાકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રો જણાવે છે કે ગયા વર્ષના નવેમ્બરમાં અમેરિકી અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. જોકે તેને ભારતમાં કરેલી ગુનાખોરીઓના આરોપોમાં નહીં, પરંતુ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાને મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ ભારતે પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરી હતી. મહારાષ્ટ્રની એક કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ જારી કર્યા બાદ અને ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કર્યા પછી બિશ્નોઇના પ્રત્યાર્પણની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.