બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોં તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગેંગસ્ટરે દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે તેના બે સાથીઓની ધરપકડ કરી હોવા છતાં મુંબઈમાં અભિનેતાઓને નિશાન બનાવવાની તેની કથિત યોજનામાં કોઈ ફેરફાર થયો નથી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી ધમકી
સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ગોલ્ડી ઢિલ્લોંએ દાવો કર્યો છે કે વિકાસ ઠાકુર અને દીપક સિંહની ધરપકડથી તેની યોજનાને કોઈ અસર થશે નહીં. તેણે એવો પણ દાવો કર્યો છે કે મુંબઈમાં તેના આશરે 200 સાથીઓ સક્રિય છે અને તેઓ કોઈપણ કાર્યવાહી માટે તૈયાર છે.
બુલેટપ્રૂફ કાચ પણ બચાવી નહીં શકે તેવી ચેતવણી
આ પોસ્ટમાં શીખ સમુદાય વિરુદ્ધ બોલનારા લોકોને પણ ધમકી આપવામાં આવી છે. તેમાં ખાસ કરીને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનાં નામનો ઉલ્લેખ કરીને ચેતવણી આપવામાં આવી છે કે બુલેટપ્રૂફ કાચ પણ તેમને બચાવી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કથિત રીતે જોડાયેલા બે શૂટર્સની ધરપકડ કરી હતી. બીજી તરફ, તાજેતરમાં અમિતાભ બચ્ચન તેમના નિવાસસ્થાનની બહાર ચાહકોને મળ્યા ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળી હતી.






