મહેસાણા : ગણપત યુનિવર્સિટીમાં આચાર્ય મોતીભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ (AMPICS) દ્વારા “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર થ્રેટ ઈન્ટેલિજન્સ ફોર મોડર્ન ડિજિટલ સિક્યોરિટી” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. AICTEની ‘વાણી’ (VAANI – Vibrant Advocacy for Promotion and Development of Indian Languages) યોજના હેઠળ સંપૂર્ણપણે હિન્દી ભાષામાં યોજાયેલ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સંશોધકો, પિજી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગના વ્યાવસાયિકો સુધી અદ્યતન તકનીકી જ્ઞાન તેમની માતૃભાષામાં પહોંચાડવાનો છે. ભાષાકીય અવરોધો દૂર કરીને ટેકનોલોજી ક્ષેત્રે હિન્દી ભાષામાં પારિભાષિક શબદોનો વિકાસ કરવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.
વર્કશોપના ઉદ્ઘાટન સત્રમાં ગણપત યુનિવર્સિટીના ગેટવે ગ્રુપ ઓફ કંપનીઝના એમડી અને ગ્રુપ સીટીઓ પ્રતીક મહેતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરના સાયબર સિક્યોરિટી વિભાગના હેડ અને ડીન ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ અતિથિ વિશેષ અને રિસોર્સ પર્સન તરીકે જોડાયા હતા. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા અને ડાયરેક્ટર જનરલ ડૉ. રાકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. નિર્ભય ચોબે (વર્કશોપ કોઓર્ડિનેટર) અને ડૉ. શ્રીધરન રાજગોપાલ (એક્ઝિક્યુટિવ ડીન) દ્વારા સ્વાગત પ્રવચન આપ્યા બાદ, પ્રતીક મહેતાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રે ઉભરતા જોખમો તેમજ ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતો પર કી-નોટ એડ્રેસ આપ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. સંજય બી. પટેલે આભાર વિધિ કરી હતી.
આ બે દિવસ દરમિયાન વિવિધ કોલેજો અને ઉદ્યોગ જગતના ૫૪ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. NFSU ના ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ, સોફોસ લિમિટેડના મઝહર રાણા, ક્વોન્ટમ નેટવર્ક્સના ડૉ. વિશાલ જે. રાઠોડ, કેપીએમજીના રજત ખંડેલવાલ અને અડ્ડેક્ટ ટેકનોલોજીસના આશુતોષ કાછટે સાયબર સુરક્ષા, નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈઓટી (IoT) સિક્યોરિટી, ઈન્સિડન્ટ રિસ્પોન્સ અને એઆઈ આધારિત સાયબર થ્રેટ જેવા વિષયો પર સઘન તાલીમ આપી હતી.
સમાપન સત્રમાં પ્રતિસાદ અને મૂલ્યાંકન બાદ સફળ સ્પર્ધકોને AICTE પોર્ટલ મારફતે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રાદેશિક ભાષામાં ટેકનિકલ કૌશલ્ય વધારવાની આ પહેલને ઉપસ્થિત તમામ તજજ્ઞો અને ભાગીદારોએ ખૂબ બિરદાવી હતી.






