ગણપત યુનિવર્સિટીમાં નવા આઈટી વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ગણપત વિદ્યાનગર: ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (FCA) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૦૨૭ના નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં BCA, MCA, B.Sc IT અને M.Sc (IT) જેવા આધુનિક કોર્સના આશરે ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ તમામ અભ્યાસક્રમોમાં AI, સાયબર સિક્યોરિટી અને ડેટા સાયન્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે.શિક્ષણ માત્ર ડિગ્રી માટે નહીં, રાષ્ટ્રનિર્માણ માટે છે: પદ્મશ્રી ડૉ. ગણપત પટેલ

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થઈ હતી. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ડૉ. ગણપત આઈ. પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, “શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ તે વિદ્યાર્થીઓને જવાબદાર, નૈતિક અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ નાગરિક બનાવે તે જરૂરી છે.” તેમણે જ્ઞાનની સાથે સારા ચારિત્ર્યના નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો.

દેશ-વિદેશના ટેકનિકલ નિષ્ણાતોનું માર્ગદર્શન

કાર્યક્રમમાં મુંબઈ C-DACના સાયન્ટિસ્ટ ડૉ. પદ્મજા પટવર્ધન જોશી અને ગણપત યુનિવર્સિટીના ગ્રૂપ પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ વિદ્યાર્થીઓને ભવિષ્યના વૈશ્વિક પડકારો માટે સક્ષમ બનવા અને સતત નવું શીખવાની ભાવના કેળવવા જણાવ્યું હતું. આ સાથે જ ‘જેસિયા IT એસોસિએશન’ના માનદ અધ્યક્ષ સત્યાર્થ શ્રીવાસ્તવે વિડિયો સંદેશ દ્વારા બદલાતી IT ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે નૈતિકતા અને અનુકૂલનક્ષમતાને અનિવાર્ય ગણાવી હતી.પૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને શપથ ગ્રહણ

આ ઓરિએન્ટેશનનું મુખ્ય આકર્ષણ ‘સ્ટુડન્ટ ઓથ સેરેમની’ (શપથ ગ્રહણ) રહ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રામાણિકતા, શિસ્ત અને સામાજિક જવાબદારી નિભાવવાના શપથ લીધા હતા. આ ઉપરાંત, માસ્ટરકાર્ડ અને એવેનિયર સોફ્ટવેર જેવી નામાંકિત કંપનીઓમાં કાર્યરત યુનિવર્સિટીના સફળ પૂર્વ વિદ્યાર્થીઓએ નવા વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કરી ઉદ્યોગજગતના પ્રત્યક્ષ અનુભવો શેર કર્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ સાથે આઠ દિવસીય ઇન્ડક્શન પ્રોગ્રામની શરૂઆત થઈ છે, જે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમો, સંશોધનની તકો અને સોફ્ટ સ્કિલ્સથી માહિતગાર કરશે. કાર્યક્રમના અંતે ડીન ડૉ. નિર્ભય ચૌબેએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.