મુંબઈમાં બાપ્પાની ભાવભીની વિદાય…

મુંબઈમાં 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવાયેલા ગણેશોત્સવ બાદ આજે ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણપતિની મૂર્તિઓને વિસર્જન માટે લઈ જવાનો સિલસિલો શરૂ થયો હતો. ઢોલ-તાશાના નાદ, ભક્તિના ગીતો અને ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુડચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષથી મુંબઈનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

મુંબઈના વિવિધ વિસર્જન સ્થળો પર સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મોટા સાર્વજનિક ગણપતિ મંડળો ઉપરાંત અનેક પરિવારો પોતાના ઘરેલુ ગણપતિને પણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે વિસર્જન માટે લઈ આવ્યા હતા. વિસર્જન પહેલાં ભક્તોએ બાપ્પાની આરતી ઉતારી, ફૂલ, ફળ, મોદક અને અન્ય પ્રસાદ અર્પણ કર્યો હતો. ત્યારબાદ સંપૂર્ણ વિધિ-વિધાન અને શ્રદ્ધા સાથે બાપ્પાને અંતિમ વિદાય આપવામાં આવી.

વિસર્જન યાત્રા દરમિયાન મુંબઈની સડકો પર ઉત્સવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ-તાશાની તાલે યુવાનો નાચતા અને ઝૂમતા જોવા મળ્યા હતા. મહિલાઓ અને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ ભક્તો ભક્તિ ગીતો પર નાચતા, ગુલાલ ઉડાવતા અને બાપ્પાના જયકારા લગાવતા નજરે પડ્યા હતા. ખુશી અને વિદાયની લાગણી એકસાથે જોવા મળી રહી હતી.

ગણેશ વિસર્જન મુંબઈની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ હિસ્સો છે. વિસર્જન સ્થળો પર વિવિધ વર્ગ અને ઉંમરના લોકો એકસાથે બાપ્પાની વિદાયમાં જોડાયા હતા. દરિયાકિનારે પહોંચ્યા બાદ ભક્તોએ અંતિમ આરતી કરી અને બાપ્પા પાસે પરિવારની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી.

બાપ્પાની મૂર્તિના વિસર્જન સમયે અનેક ભક્તોની આંખોમાં વિદાયની નમી પણ જોવા મળી હતી. જોકે, આ વિદાય સાથે આગામી વર્ષે બાપ્પા ફરી વહેલા આવે તેવી આશા પણ જોવા મળી હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષ સાથે ભક્તોએ પોતાના આરાધ્ય દેવને વિદાય આપી.

મુંબઈમાં ગણેશોત્સવનો આ અંતિમ દિવસ ભક્તિ, આસ્થા, ઉત્સાહ અને લાગણીઓથી ભરપૂર રહ્યો. બાપ્પાની મૂર્તિનું વિસર્જન થયું, પરંતુ તેમની ભક્તિ, યાદો અને આશીર્વાદ મુંબઈવાસીઓના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.

(તસવીરો: દીપક ધૂરી)