આંદામાન બેઝિનમાં મળેલા ગેસના ભંડારથી દેશને નવી અપેક્ષા

નવી દિલ્હીઃ વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક ઓઇલ સપ્લાયમાં આવતી અડચણોને ધ્યાનમાં રાખીને ભારત હવે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે ઊંડા સમુદ્ર અને નવા વિસ્તારો તરફ વળી રહ્યું છે. આ વ્યૂહરચનાના કેન્દ્રમાં આંદામાન-નિકોબાર બેસિન છે, જ્યાં મોટા ગેસ ભંડાર મળવાના સંકેતો મળ્યા છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ ગેસનો ઉપયોગ ઘરેલુ અથવા ઔદ્યોગિક સ્તરે શરૂ થવામાં હજુ લાંબો સમય લાગી શકે છે.

આંદામાન-નિકોબાર બેઝિન કેમ મહત્વપૂર્ણ છે?

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ઓઇલ અને 50 ટકા ગેસ આયાત કરે છે. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ વિસ્તારમાં વધતા તણાવને કારણે ભારતની ઊર્જા સપ્લાય પર જોખમ વધ્યું છે. આવી સ્થિતિમાં આંદામાન સમુદ્ર ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અંદાજ મુજબ આ બેઝિનમાં લગભગ 371 મિલિયન ટન ઓઇલ અને ગેસના ભંડાર હોઈ શકે છે.

સરકારે ‘ઓપન એકરેજ લાયસન્સિંગ પોલિસી’ (OALP) હેઠળ લગભગ 10 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારને શોધખોળ માટે ખુલ્લો મૂક્યો છે, જ્યાં અગાઉ પ્રતિબંધ હતો. સરકારી કંપની ONGC અને Oil India 2026ની શરૂઆતથી અહીં ડ્રિલિંગ અને સર્વે કાર્ય કરી રહી છે.

ક્યાં ગેસ મળ્યો અને ક્યાં નિષ્ફળતા મળી?

આંદામાન સમુદ્રમાં ચાલી રહેલી ડ્રિલિંગમાંથી અત્યાર સુધી મિશ્ર પરિણામો સામે આવ્યાં છે:

વિજયપુરમ-1: આ કૂવો ‘ડ્રાય’ રહ્યો, એટલે અહીં કોઈ સંસાધન મળ્યું નથી.

વિજયપુરમ-2: અહીં 2212થી 2250 મીટરની ઊંડાઈએ ગેસની હાજરીની પુષ્ટિ થઈ છે, જેમાં 87 ટકા મિથેન મળી આવ્યું છે.

અલ્ટ્રા-ડીપવોટર ડ્રિલિંગ: ONGC અહીં 6000 મીટર સુધી ડ્રિલિંગ કરવાની યોજના પર કામ કરી રહી છે. ગેસના સંકેતો મળ્યા છે, પરંતુ હજુ ‘કોમર્શિયલ સફળતા’ પ્રાપ્ત થઈ નથી.

ટૂંકા ગાળાનો ઉકેલ શું?

જ્યાં સુધી નવા બેઝિન તૈયાર ન થાય, ત્યાં સુધી ભારતે પોતાની તાત્કાલિક ઊર્જા જરૂરિયાત માટે હાલના સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મુંબઈ હાઇ, બાડમેર અને આસામ જેવાં જૂનાં ક્ષેત્રોમાં ‘એન્હાન્સ્ડ ઓઇલ રિકવરી’ (EOR) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન ઘટતું અટકાવવું પડશે.