ગૌહાટીઃ ગૌહાટીની હાઇકોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેડાને આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે. આ સાથે તેમની ધરપકડની શક્યતા પણ વધી ગઈ છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઇયાં સરમા દ્વારા નોંધાયેલી FIR સંબંધિત કેસમાં ખેરાએ હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. ખેડાએ CMની પત્ની પર અનેક પાસપોર્ટ હોવાના આરોપ લગાવ્યા હતા. કોર્ટના આ નિર્ણય બાદ પવન ખેડાને હાલ કોઈ તાત્કાલિક રાહત મળી નથી.
આ પહેલાં કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નહોતી. કોર્ટે તેમને ટ્રાંઝિટ બેલ આપવા ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પવન ખેડાની અરજી પર જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સુનાવણી કરી હતી. પવન ખેડાએ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને થોડો વધુ સમય આપવામાં આવે, જેથી તેઓ આસામની કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ રાહત વધારવાનો ઇનકાર કર્યો હતો.તેલંગાણા હાઇકોર્ટે એક સપ્તાહના આગોતરા જામીન આપ્યા હતા
પવન ખેડાએ સુપ્રીમ કોર્ટને બુધવારે આપેલો તે આદેશ પાછો ખેંચવાની માગ કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઇકોર્ટથી મળેલા આગોતરા જામીન પર સ્ટે લગાવ્યો હતો. એ પહેલા તેલંગાણા હાઇકોર્ટે તેમને એક સપ્તાહના ટ્રાંઝિટ આગોતરા જામીન આપ્યા હતા.
શું છે મામલો?
પવન ખેડા સામે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની વિરુદ્ધ આરોપો લગાવવાને કારણે FIR નોંધાઈ છે. જામીન પર સ્ટે લાગ્યા બાદ પવન ખેડા પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમણે રાહત માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

સીએમ હિમંતાએ શું કહ્યું?
મીડિયા સાથેની વાતચીત દરમિયાન સીએમ સરમાએ કહ્યું હતું કે હું હવે એક વધુ કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. હું પવન ખેડાને પવન પેડા બનાવી દઈશ, થોડા દિવસ રાહ જુઓ.




