ગૌતમ અદાણીએ દેશમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ વંદે ભારતમ્ આરંભી

અમદાવાદઃ દેશભરના સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને તેમની સમસ્યાઓ ઉકેલતી પ્રતિભાઓને શોધીને અને તેમને પીઠબળ આપવા માટે ’વંદે ભારતમ’ને નામે એક રાષ્ટ્રીય પહેલનો અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ ૨૪ જૂને ​​પોતાના ૬૪મા જન્મદિનના અવસરે આરંભ કર્યો છે. દેશનાં પરંપરાગત સ્ટાર્ટ-અપ કેન્દ્રોની બહારના આશાસ્પદ વિચારશીલો અને ઉદ્યોગ સાહસિક પ્રતિભાઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી તરતો મૂકવામાં આવેલો આ મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ તમામ વયજૂથના અને પૃષ્ઠભૂમિ ધરાવતા દેશનાં બધાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૦૦થી વધુ જિલ્લાઓ અને અનેક ભારતીય ભાષાઓ  સુધી પહોંચશે.

વિશ્વના અગ્રણી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ભારત આજે નોંધપાત્ર સ્થાન ધરાવતું હોવા છતાં ૮૦ ટકાથી વધુ સ્ટાર્ટ-અપના પ્રણેતાઓ કેવળ પાંચ શહેરોમાંથી ઊભરી રહ્યા છે. ઘણા મહત્વાકાંક્ષી સંશોધકો પ્રત્યક્ષ હાજરી અને માર્ગદર્શનના અભાવને કારણે નેટવર્ક્સની પહોંચથી વંચિત રહે છે. વંદે ભારતમના માધ્યમ થકી મેટ્રોપોલિટન કેન્દ્રો અને ઊભરતાં શહેરોથી લઈને નાનાં શહેરો અને ગ્રામીણ સમુદાયો સુધીઆ પહોંચને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલ મારફત એવી વ્યક્તિઓને શોધશે જેમના વિચારો, ઉકેલો અને સાહસો આર્થિક અને સામાજિક અસર ઊભી કરવા સક્ષમ છે.

રાજ્ય અને પ્રાદેશિક મૂલ્યાંકન પછી પસંદ થનારા ૭૫ લાભાર્થીઓને અમદાવાદમાં માર્ગદર્શન, ઔદ્યોગિક વાર્તાલાપ અને રોકાણકારો તથા વ્યવસાયિક અગ્રણીઓ સાથે જોડાણ સહિતના એક સઘન કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવશે. તેઓ ભેગા મળીને વિવિધ પ્રદેશો, ક્ષેત્રો અને સમુદાયોમાંથી પ્રતિભાના ક્રોસ-સેક્શનનું પ્રતિનિધિત્વ કરશે. આ પહેલ તરતી મૂકતાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે મેં જ્યારે મારી સફર શરૂ કરી, ત્યારે મારી પાસે કંઈ નહોતું. હું જે કંઈ છું અને મેં જે કંઈ મેળવ્યું છે તે ભારતની માટીએ મને આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશમાં પ્રતિભાવંત અભિનવ વિચારશીલ વ્યક્તિઓની કમી નથી, પરંતુ તક આ વિશાળ દેશના દરેક ખૂણા સુધી પહોંચી નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતે વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાંથી નિર્માણ કરી હોવા છતાં મોટા ભાગના પ્રણેતાઓ આજે પણ ગણ્યાગાંઠ્યાં શહેરોમાંથી ઊભરે છે. નવા વિચારોને માન્યતા અને આધારને પાત્ર લોકો માટે એક દેશવ્યાપી પ્લેટફોર્મ ઉપલબ્ધ બનાવવા વંદે ભારતમનો પ્રયાસ રહેશે.તેમણે આ પહેલ થકી નવા અભિગમો, સમસ્યા ઉકેલનારાઓ અને ઉદ્યોગ સાહસિકોને શોધીને અમે તમામ ભારતીયને નિર્માણ કરવાનું મનોબળ અને નિર્ણય શક્તિ સાથે આગળ આવી અને સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે આ ઝુંબેશ હેઠળ વિચારોને સાહસોમાં પરિવર્તિત કરવામાં મદદ કરી શકે તે માટે પસંદ થનારને માર્ગદર્શકો, રોકાણકારો, ઉદ્યોગ અગ્રણીઓ, ઇન્ક્યુબેશન સપોર્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીનો લાભ મળશે. આ કાર્યક્રમમાં રોકડ ઇનામ અને શ્રેણી-આધારિત માન્યતાઓનો પણ સમાવેશ થશે, જેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. પ્રાપ્ત થયેલ અરજીઓ નવીનતા, ઉદ્યોગસાહસિકની સંભાવના, તેની સંભવિત અસર અને માપનીયતા કેન્દ્રિત માળખાગત મૂલ્યાંકન માટેની પ્રક્રિયામાંથી પસાર થશે. મૂલ્યાંકન માપદંડ, જ્યુરીની રચના અને પસંદગીના તબક્કાઓ સંબંધી વધુ વિગતો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.