નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર એપ્રિલથી જૂન, 2026 દરમિયાન દેશનો GDP વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આ વૃદ્ધિદર 6.9 ટકા હતો. આ ઉપરાંત, RBIના 7 ટકાના અંદાજ કરતાં પણ GDP વૃદ્ધિ 0.8 ટકા વધુ રહ્યો છે.

મંત્રાલય (MoSPI)એ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) એટલે કે સ્થિર કિંમતો પર GDPનો અંદાજ 81.36 લાખ કરોડ રૂપિયા છે. 2025-26ના સમાન ત્રિમાસિક ગાળામાં તે 75.46 લાખ કરોડ રૂપિયા હતો. આને આધારે GDP વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો છે.
રિયલ GDP વધીને રૂ. 81.36 લાખ કરોડ
સ્થિર કિંમતો એટલે કે 2022-23ના ભાવ પ્રમાણે નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં દેશની રિયલ GDPનું કદ 81.36 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે 75.46 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે વાર્ષિક ધોરણે રિયલ GDPમાં 7.8 ટકાનો વધારો થયો છે.
નોમિનલ GDPમાં 10.3 ટકાનો વધારો
વર્તમાન બજાર કિંમતો પર માપવામાં આવતી નોમિનલ GDP એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં વધીને 88.27 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 80 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે નોમિનલ GDPનો વૃદ્ધિદર 10.3 ટકા રહ્યો છે.

GVA વૃદ્ધિ GDP કરતાં ઝડપી રહી
એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં સ્થિર કિંમતો પર રિયલ GVA વધીને 73.82 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે 68.21 લાખ કરોડ રૂપિયા હતો. આ રીતે રિયલ GVAમાં 8.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. વર્તમાન કિંમતો પર નોમિનલ GVA 11.5 ટકા વધીને 80.53 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં તે 72.24 લાખ કરોડ રૂપિયા હતો. GVAથી જાણવા મળે છે કે કૃષિ, ઉદ્યોગ અને સેવા જેવા અલગ-અલગ ક્ષેત્રોએ અર્થવ્યવસ્થામાં કેટલું મૂલ્ય ઉમેર્યું છે. GDPની ગણતરી કરતી વખતે GVAમાં ઉત્પાદનો પર લાગતા કર ઉમેરવામાં આવે છે અને સબસિડીની રકમ ઘટાડવામાં આવે છે.




