રોડ અકસ્માતમાં ગંભીર રીતે લકવાગ્રસ્ત બનેલા દીપડાને મળ્યું નવજીવન

ગાંધીનગર: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં એક દીપડો ઘવાયો હતો. કરોડરજ્જુમાં ગંભીર ઈજા પામેલા આ દીપડાને શહેરના ‘ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ (GEER) ફાઉન્ડેશનમાં લાવવામાં આવ્યો.જ્યાં ટીમે વિશેષ સઘન સારવાર આપીને દીપડાને સંપૂર્ણપણે સ્વસ્થ કરી નવજીવન આપ્યું છે. ગંભીર રીતે લકવાગ્રસ્ત બનેલો આ દીપડો સમયસરની સારવાર અને ફિઝિયોથેરાપી બાદ હવે ફરીથી હરતો-ફરતો થઈ ગયો છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઇજાગ્રસ્ત દીપડાના આ સફળ બચાવ, સુનિશ્ચિત સારવાર અને પુનર્વસન બદલ GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમને વિશેષ અભિનંદન પાઠવ્યાં હતાં. વર્ષ 2026 દરમિયાન GEER ફાઉન્ડેશનની ટીમે આસપાસના જિલ્લાઓમાં વન્યજીવોના બચાવ, તાત્કાલિક સારવાર અને પુનર્વસન માટે 10થી વધુ જટિલ ઓપરેશનો પણ સફળતાપૂર્વક પાર પાડ્યાં છે.

GEER ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતી (IFS)એ જણાવ્યું હતું કે સમયસર રેસ્ક્યૂ, અદ્યતન નિદાનાત્મક ઇમેજિંગ (Advanced Imaging), વિશેષ પશુચિકિત્સા અને લાંબા ગાળાના સંભાળ-પુનર્વસન દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવોને જીવનની બીજી તક આપી શકાય છે.