‘ગજની’ ફેમ વિલન પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન

ભારતીય સિનેમા જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મો ‘ગજની’ અને ‘લગાન’માં પોતાના દમદાર અભિનયથી અનોખી ઓળખ બનાવનારા દિગ્ગજ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમના જવાથી સિનેમા જગત અને તેમના ચાહકો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. સોશિયલ મીડિયા પર શોકની લહેર દોડી ગઈ છે અને બોલીવુડ એક્ટર સોનુ સૂદ સહિત અસંખ્યા કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

5 વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા

પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે એક્ટર છેલ્લા 5 વર્ષથી બ્લડ કેન્સર જેવા ગંભીર રોગ સામે લડી રહ્યા હતા. શરૂઆતી સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો પણ થયો હતો, પરંતુ કેટલાક મહિનાઓ પહેલા કેન્સર ફરીથી ઉભરી આવ્યું હતું. છેલ્લા 2 મહિનાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત સતત કથળી રહી હતી. આખરે મંગળવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારના જણાવ્યા અનુસાર બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વિલનના પાત્રથી બનાવી અલગ ઓળખ

પ્રદીપ રાવતે માત્ર હિન્દી જ નહીં, પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક યાદગાર નકારાત્મક (વિલન) પાત્રો ભજવીને સ્ક્રીન પર એક આગવી ઓળખ ઊભી કરી હતી. આમિર ખાનની ફિલ્મ ‘ગજની’માં તેમનું મુખ્ય વિલનનું પાત્ર આજે પણ દર્શકોના મનમાં તાજું છે, જ્યારે ‘લગાન’માં પણ તેમણે પોતાના શાનદાર અભિનયથી ઊંડી છાપ છોડી હતી.

ફેન્સ અને કલાકારો થયા ભાવુક

સોશિયલ મીડિયા પર ફેન્સ તેમની ફિલ્મોના શાનદાર સીન્સ અને સંવાદો શેર કરીને તેમને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકાર તરીકે યાદ કરી રહ્યા છે. તેમના જવાથી ફિલ્મ ઉદ્યોગે એક એવો મહાન કલાકાર ગુમાવ્યો છે, જેમની દમદાર સ્ક્રીન પ્રેઝન્સ અને અભિનય હંમેશાં યાદ રહેશે.