ગાંધીનગર: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે આ નવરાત્રિમાં ‘ગિફ્ટ ગરબા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧૧થી ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ગિફ્ટ સિટી ક્લબ નજીક આવેલા ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં સંગીત, રોશની, સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળશે. ગિફ્ટ સિટીના રહેવાસીઓ, નોકરિયાતો અને મુલાકાતીઓ માટે નવે-નવ સાંજ વિશેષ અને યાદગાર બની રહેશે.
આ મહોત્સવની ખાસિયત એ છે કે નવે-નવ રાત્રિ માટે અલગ-અલગ થીમ નક્કી કરવામાં આવી છે. જેને અનુરૂપ લાઈવ મ્યુઝિક, સજાવટ અને લાઇટિંગનું આયોજન થશે:
-
૧૧ ઓક્ટોબર (શક્તિ): હિમાલી વ્યાસ નાયકના સુરીલા અવાજ સાથે ઉત્સવનો પ્રારંભ.
-
૧૨ ઓક્ટોબર (અનુભૂતિ): જાણીતા ગાયક મીત જૈનનું પરફોર્મન્સ.
-
૧૩ અને ૧૪ ઓક્ટોબર (રંગ અને રાગ): લોકપ્રિય ગાયક ઓસમાણ મીરની ભવ્ય રજૂઆત.
-
૧૫ અને ૧૬ ઓક્ટોબર (આનંદ અને ભક્તિ): સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર સાયલી કાંબલેની સંગીતમય પ્રસ્તુતિ.

-
૧૭ ઓક્ટોબર (પરંપરા): પ્રહર વોરા દ્વારા ટ્રેડિશનલ ગરબા સૂર.
-
૧૮ ઓક્ટોબર (ઉત્સવ): પ્રિયા સરૈયાનું ખાસ પર્ફોર્મન્સ.
-
૧૯ ઓક્ટોબર (વિશ્વ): પ્રિયા સરૈયા અને લાઈવ બેન્ડની રજૂઆત સાથે ગરબા મહોત્સવનું ભવ્ય સમાપન.

ગરબા ઉપરાંત, અહીં બાળકો માટે ‘કિડ્સ ગરબા ઝોન’, આર્ટ કોર્નર, ફૂડ ઝોન, એઆઈ (AI) ફોટોબૂથ અને ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન જેવાં વિશિષ્ટ આકર્ષણો ઊભાં કરવામાં આવ્યાં છે. બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખાતા ગિફ્ટ સિટીમાં આ આયોજનથી સંસ્કૃતિ અને સામાજિક જીવનનો એક નવો રંગ ઉમેરાશે, જે “વર્ક, લાઈવ અને પ્લે” ના વિઝનને વધુ સાકાર કરશે.




