ગિફ્ટ સિટી, IIM બેંગલોર દ્વારા નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન

ગાંધીનગરઃ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલોર (IIM બેંગલોર)ના સહયોગથી ગિફ્ટ સિટી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે ‘ગિફ્ટ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ – નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરશે. આ સ્પર્ધામાં દેશભરના  અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (ગિફ્ટ IFSC) સાથે સંબંધિત વાસ્તવિક પડકારોના પુરાવા અને તથ્યો પર આધારિત સોલ્યુશન્સ તૈયાર કરવાનાં રહેશે.

આ સ્પર્ધાનું આયોજન IIM બેંગલોરના સેન્ટર ફોર કેપિટલ માર્કેટ્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ (CCMRM)ના સહયોગથી કરવામાં આવશે. તેમાં ભારતની કોઈ પણ માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી કે બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરતા અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓ કોઈ પણ વિષયના હોય તો પણ તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. દરેક ટીમમાં ચાર વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે. જુદા-જુદા વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમોને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાશે. તેમાં રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન કેસ ચેલેન્જ, ચાર શહેરોમાં રિજનલ ફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટેના સબમિશન કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ વિશ્લેષણ માટેના બેમાંથી કોઈ એક વિષયની પસંદગી કરી શકશે. ‘માર્કેટ્સ એન્ડ પ્રોડક્ટ ડિઝાઇન’ હેઠળ ગિફ્ટ IFSC મારફતે વૈશ્વિક રોકાણકારો માટે ભારતની મોટી કંપનીઓ સાથે જોડાયેલા સિંગલ-સ્ટોક ફ્યુચર્સ શરૂ કરવાની દરખાસ્તનો અભ્યાસ કરવાનો રહેશે. ‘ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેટેજી એન્ડ ગવર્નન્સ’ હેઠળ ગિફ્ટ IFSCમાં કાર્યરત એક્સચેન્જો અને ક્લિયરિંગ કોર્પોરેશનો વૈશ્વિક એક્સચેન્જો, કસ્ટોડિયન્સ તથા બજારના અન્ય માળખાકીય સંસ્થાઓ સાથેની ભાગીદારીનું મૂલ્યાંકન કેવી રીતે કરે અને તેને યોગ્ય સ્વરૂપ કેવી રીતે આપે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

રિજનલ ફાઇનલ 2026માં 21 નવેમ્બરે દિલ્હીમાં, 28 નવેમ્બરે બેંગલુરુમાં, 30 નવેમ્બરે કોલકાતામાં અને 5 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. પસંદગી પામેલી ટીમોએ સ્થળ પર યોજાનારા કેસ રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે. તેમાં લાઇવ પ્રેઝન્ટેશન કરવાની સાથે જ્યુરીના પ્રશ્નોના ઉત્તર પણ આપવાના રહેશે. દરેક શહેરની વિજેતા ટીમ ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવશે. અહીં અંતિમ તબક્કામાં પહોંચેલી ટીમોને વધુ વિસ્તૃત કેસનો અભ્યાસ કરીને તેને આધારે પોતાની ભલામણો રજૂ કરવાની રહેશે.

આ સ્પર્ધામાં મળેલી રજૂઆતોનું મૂલ્યાંકન વિશ્લેષણની ગુણવત્તા, વ્યૂહાત્મક ઊંડાણ, ઉકેલનો વ્યવહારિક અમલ શક્ય છે કે નહીં, બજારના વિવિધ વિકલ્પો વચ્ચેના ફાયદા-ગેરફાયદાની સમજ અને રજૂઆતને આધારે કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સંશોધન અને લેખન માટે AI ટુલ્સનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેમણે આ ઉપયોગની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. આ સ્પર્ધા વિદ્યાર્થીઓને ગિફ્ટ IFSCમાં નવી નાણાકીય પ્રોડક્ટ્સ વિકસાવવા અને બજારના માળખાને વધુ મજબૂત બનાવવા સાથે સંકળાયેલા વેપારી, નિયમનકારી અને કામગીરીને લગતા પડકારોનો અભ્યાસ કરવાની તક પૂરી પાડશે.