ગાંધીનગરઃ ગિફ્ટ સિટી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે ગિફ્ટ ફ્યુચરલેબ ગ્રાન્ડ ચેલેન્જ 2026-27નું આયોજન કરશે. આ રાષ્ટ્રીય સ્તરની ઇનોવેશન કોમ્પિટિશનનો હેતુ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમમાં વ્યવહારિક ઉપયોગ થઈ શકે તેવી આશાસ્પદ ટેક્નોલોજી અને સંશોધન આધારિત વિચારોને ઓળખવાનો છે.
આ સ્પર્ધામાં મુખ્યત્વે ભારતભરની ટેક્નિકલ, મેનેજમેન્ટ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સંશોધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકો વ્યક્તિગત રીતે અથવા ટીમ બનાવીને અરજી કરી શકશે. સ્પર્ધામાં અગાઉથી નક્કી કરેલી ટેક્નોલોજીની શ્રેણીઓ પૂરતી મર્યાદિત રહેવાને બદલે, મૂળભૂત, ટેક્નિકલી સક્ષમ અને વ્યાવહારિક ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગ ધરાવતા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ઇન્ટેલિજન્ટ અને ઓટોનોમસ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ, ડિજિટલ એસેટ્સ અને પ્રોગ્રામેબલ ફાઇનાન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી માટે તૈયાર ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સિક્યોરિટી, ફ્રોડ અને રિસ્ક મેનેજમેન્ટ, રેગ્યુલેટરી ટેકનોલોજી તથા નેક્સ્ટ-જનરેશન ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ સિટી સાથે સંબંધિત અન્ય ઉભરતી ટેકનોલોજીઓ પણ સ્પર્ધાના ક્ષેત્રમાં સામેલ રહેશે.
આ સ્પર્ધા માટેની અરજીઓ 12 નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. પ્રારંભિક અરજી અને મૂલ્યાંકનની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવશે. આ સ્પર્ધામાં રજૂ કરવામાં આવેલા વિચારોનું મૂલ્યાંકન તેમની નવીનતા, ટેક્નિકલ ગુણવત્તા, નાણાકીય ક્ષેત્ર સાથેની સુસંગતતા, વ્યાવહારિક શક્યતા, સંભવિત અસર અને વ્યાપારીકરણની સંભાવનાને આધારે કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાંથી આશરે 10થી 12 પસંદગી પામેલી ટીમોને IIT ગાંધીનગર ખાતે યોજાનારી ઓફલાઇન ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવશે. આ ફિનાલેમાં ટીમો શૈક્ષણિક ક્ષેત્ર, ટેક્નોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઉદ્યોગ અને ગિફ્ટ સિટીના ઇકોસિસ્ટમના નિષ્ણાતોની બનેલી જ્યુરી સમક્ષ પોતાના નવીન વિચારો રજૂ કરશે. ફિનાલે 20 ડિસેમ્બર સુધીમાં યોજવાનો પ્રસ્તાવ છે.
ગિફ્ટ સિટી, IIT ગાંધીનગર કરશે ફ્યુચરલેબ ગ્રાન્ડ ચેલેન્જનું આયોજન…
#GIFTCity #IITGandhinagar #FutureLab #Technology #GrandChallenge #VibrantGujarat #Innovation #FinTech #Financial #DigitalAssets #Chitralekha
https://t.co/Dv8MY7CvWD
— chitralekha (@chitralekhamag) October 27, 2026
ગિફ્ટ સિટી પસંદગી પામેલી ટીમો અને બેન્કો, નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ તથા ઇકોસિસ્ટમના અન્ય સંબંધિત ભાગીદારો વચ્ચે પરસ્પર સંવાદ અને જોડાણની તકો ઊભી કરવા માટે પણ પ્રયાસ કરશે. ટોચની ત્રણ ટીમોને જાન્યુઆરી 2027માં ગિફ્ટ સિટી અથવા વાઇબ્રન્ટ ગુજરાતના યોગ્ય મંચ પર પોતાના નવીન વિચારો રજૂ કરવાની તક પણ મળી શકે છે.






