ગાંધીનગરઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ તેના ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામની બીજી બેચની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામનો હેતુ ક્રોસ-બોર્ડર ફાઇનાન્સ, સિક્યોરિટી, રિસ્ક અને કોમ્પ્લાયન્સ, વેબ3 અને બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ GovTech અને RegTech જેવાં ક્ષેત્રોમાં સોલ્યુશન્સ વિકસાવતા શરૂઆતના તબક્કાના સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવાનો છે. લાયક ઠરનારા સ્ટાર્ટઅપ્સ માટે અરજી પ્રક્રિયા બુધવારે (10 જૂન) શરૂ કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ જુલાઈ છે.
ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (GIFT IFIH) દ્વારા અમલમાં મૂકવામાં આવતો આ છ મહિનાનો પ્રોગ્રામ વિચારના તબક્કામાં રહેલા, પ્રોડક્ટ લોન્ચ પહેલાંના, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ તબક્કાના તેમ જ પ્રારંભિક માન્યતા પ્રાપ્ત કરતા સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોગ્રામમાં ગિફ્ટ સિટીમાં ત્રણ મહિનાની રૂબરૂ હાજરી સાથે ત્રણ મહિનાના વર્ચ્યુઅલ સપોર્ટનો સમાવેશ થાય છે, જેમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ, માર્કેટ વેલિડેશન અને ઇકોસિસ્ટમ સાથે જોડાણ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં જોડાતા સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગના નિષ્ણાતોનું માર્ગદર્શન, ઇકોસિસ્ટમના વિવિધ હિતધારકો સુધી પહોંચ, નિયમનકારી માળખાની સમજ તેમ જ રોકાણકારો અને વ્યૂહાત્મક ભાગીદારો સાથે જોડાવાની તક મળશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ સ્થાપકોને નવા વિચારો વિકસાવવા, તેની ઉપયોગિતા ચકાસવા અને તેને મોટા પાયે વિસ્તૃત કરવામાં મદદ કરવાનો છે, જેથી તેઓ બદલાતા નાણાકીય સેવા ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ સોલ્યુશન્સ તૈયાર કરી શકે.આ બીજી બેચ પ્રથમ ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામની સફળતા પર આધારિત છે. પ્રથમ બેચ હેઠળ 11 સ્ટાર્ટઅપ્સને સુનિયોજિત માર્ગદર્શન, પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સહાય, ઇકોસિસ્ટમ સુધી પહોંચ અને રોકાણકારો સાથે જોડાણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
જાન્યુઆરી, 2025માં ગિફ્ટ સિટી દ્વારા સ્થાપિત GIFT IFIH, ફિનટેક સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન, એક્સિલરેશન અને ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માં કાર્યરત વ્યાપક ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇકોસિસ્ટમ સુધી પહોંચ પૂરી પાડવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આગામી ચાર વર્ષમાં આ હબ 250 ફિનટેક સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવાનું અને ગિફ્ટ સિટીને કેન્દ્રમાં રાખીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે.આ પ્રોગ્રામના લોન્ચ અંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે ફાઇનાન્શિયલ સર્વિસિસના ક્ષેત્રમાં ફાઇનાન્સ, ટેક્નોલોજી અને રેગ્યુલેશનનો સમન્વય ઇનોવેશન માટે નવી તકો ઊભી કરી રહ્યો છે. ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામ દ્વારા અમે એવા સ્થાપકોને સહાય કરવા માગીએ છીએ, જે સ્થાનિક તેમ જ વૈશ્વિક બજારો માટે સોલ્યુશન્સ વિકસાવી રહ્યા છે અને સાથે જ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ અનોખી ઇકોસિસ્ટમનો લાભ લઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ, નિયમનકારો, નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતોને એક મંચ પર લાવીને અમે એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ, જે નવીનતા, સહયોગ અને જવાબદાર વિકાસને પ્રોત્સાહન આપે છે.






