ગાંધીનગરઃ ગિફ્ટ સિટીએ આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCએ) સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (ગિફ્ટ IFIH) હેઠળ ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ આગામી પેઢીના ફિનટેક ઇનોવેટર્સને શોધવા, તેમની પ્રતિભા વિકસાવવા અને તેમને ઝડપી ગતિએ આગળ વધારવાનો છે. આ માટે વિચારના તબક્કાથી લઈને પ્રોટોટાઇપ તૈયાર કરવા, નિયમનકારી મંજૂરી મેળવવા અને સ્ટાર્ટઅપ સ્થાપવા સુધીની સમગ્ર અને સુવ્યવસ્થિત પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમની શરૂઆત દેશવ્યાપી અરજી પ્રક્રિયાથી થશે. ત્યાર બાદ પસંદ કરાયેલા અરજદારો બે દિવસીય ફિનટેક આઇડિયેશન હેકાથોનમાં ભાગ લેશે. હેકાથોનમાંથી પસંદ થયેલી ટીમો ત્યાર બાદ ગિફ્ટ IFIH ખાતે આઠ સપ્તાહના રેસિડેન્શિયલ પ્રોગ્રામમાં જોડાશે. આ દરમિયાન તેઓ સ્ટાર્ટઅપ સ્થાપકો, ઉદ્યોગ નિષ્ણાતો, રોકાણકારો, નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઇકો સિસ્ટમના અગ્રણીઓ સાથે નજીકથી કામ કરવાની તક મેળવશે.

નિષ્ણાતોના માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ દ્વારા સહભાગીઓને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ડિઝાઇન થિંકિંગ, ગ્રાહકોની જરૂરિયાતોને સમજવી અને તેની ચકાસણી કરવી, બિઝનેસ મોડેલ તૈયાર કરવું તેમ જ રોકાણકારો સમક્ષ અસરકારક પ્રેઝન્ટેશન કરવાની તૈયારી જેવાં ક્ષેત્રોમાં વ્યવહારુ અનુભવ મળશે. તેને પરિણામે તેઓ પોતાના નવીન વિચારોને બજારમાં રજૂ કરી શકાય એવા અને વિસ્તરણ માટે સક્ષમ વ્યવસાયમાં ફેરવી શકશે. આ પ્રોગ્રામ હેઠળ ટોચના ત્રણ સ્ટાર્ટઅપ્સને IFSCએ ફિનટેક સેન્ડબોક્સમાં વિશેષ સીધી એન્ટ્રી મળશે. તેના દ્વારા તેઓ નિયંત્રિત નિયમનકારી માળખામાં આધુનિક નાણાકીય નવીનતાઓનું પરીક્ષણ અને માન્યતા મેળવી શકશે. નવીનતા અને નિયમનકારી સહયોગ વચ્ચે સેતુ રચીને આ પહેલ આશાસ્પદ ફિનટેક સ્ટાર્ટઅપ્સને ઝડપથી વ્યાવસાયિક સફળતા તરફ આગળ વધારવા તેમ જ ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં જવાબદાર અને ભાવિ જરૂરિયાતોને અનુરૂપ નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે.

આ કાર્યક્રમ દેશના વિદ્યાર્થીઓ, તાજેતરમાં અભ્યાસ પૂર્ણ કરનારા સ્નાતકો, ઉદ્યોગ સાહસિક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો અને યુવા ઇનોવેટર્સ માટે ખુલ્લો છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ, 2026 છે. પસંદ કરાયેલી ટીમો 21 અને 22 ઓગસ્ટ, 2026એ યોજાનારી ફિનટેક આઇડિયેશન હેકાથોનમાં ભાગ લેશે. ત્યાર બાદ 10 ટીમોની પસંદગી કરીને તેમને 1 સપ્ટેમ્બર, 2026થી ગિફ્ટ સિટીમાં શરૂ થનારા રેસિડેન્શિયલ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવશે. યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ માટે ગિફ્ટ IFIHના રોકાણકારો, ઉદ્યોગ ભાગીદારો અને માર્ગદર્શકોના મજબૂત નેટવર્ક તેમ જ પ્રારંભિક તબક્કાની નવીનતાઓને પ્રોત્સાહન આપવાના તેના સફળ અનુભવનો લાભ લેવામાં આવશે. ગિફ્ટ IFIHની અગાઉની પહેલમાં જોડાયેલા અનેક સ્ટાર્ટઅપ્સ સફળતાપૂર્વક ફિનટેક સેન્ડબોક્સમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે, નોંધપાત્ર રોકાણ મેળવ્યું છે અને સતત મળતી ઇકો સિસ્ટમના સહયોગથી પોતાના વ્યવસાયને સફળતાપૂર્વક વિસ્તૃત કર્યો છે.




