ગિફ્ટ સિટીમાં GIFT ifi દ્વારા પ્રથમ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર્સ મીટનું આયોજન

ગાંધીનગર: ગિફ્ટ સિટી ખાતે પ્રથમ ‘ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર્સ (TPO) મીટ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રી અને શિક્ષણ જગત વચ્ચેના સમન્વયને વધુ મજબૂત કરવા, વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતા વધારવાના હેતુથી ‘ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ’ (GIFT ifi) દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. એક દિવસીય કોન્ક્લેવમાં ગુજરાતની અગ્રણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના ૩૪થી વધુ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર્સે ભાગ લીધો હતો.

AI અને ઉચ્ચ શિક્ષણમાં બદલાતી જરૂરિયાતો પર મંથન

કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા ફેરફારો, પ્લેસમેન્ટ ઓફિસની બદલાતી ભૂમિકા અને કેરિયર સર્વિસિસ તથા પ્લેસમેન્ટ કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આઈ.આઈ.ટી. ગાંધીનગરના ડિરેક્ટર અને GIFT ifiના ગવર્નિંગ બોર્ડ મેમ્બર પ્રો. રજત મૂનાએ જણાવ્યું હતું કે, “AIના સમયમાં ઉદ્યોગોની અપેક્ષાઓ ઝડપથી બદલાઈ રહી છે. બદલાતી જરૂરિયાતો સાથે વિદ્યાર્થીઓને સજ્જ કરવા માટે TPO એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહ્યા છે.”

GIFT ifiના પ્રેસિડેન્ટ ડૉ. પુનીત ગુપ્તાએ ઉમેર્યું હતું કે, “પ્લેસમેન્ટ ઓફિસર્સ વિદ્યાર્થીઓની કેરિયર સફર પર સીધી અસર પાડે છે. આ મીટ દ્વારા તમામ TPOને અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે એક સશક્ત મંચ મળ્યો છે.”

ગિફ્ટ સિટી ઇકોસિસ્ટમ અને ભવિષ્યની તકો

આ મીટમાં ઉપસ્થિત TPOને ગિફ્ટ સિટીની વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇનાન્શિયલ સર્વિસિસ તથા ફિનટેક ક્ષેત્રે ઊભી થઈ રહેલી રોજગારની તકો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ભાગ લેનાર પ્લેસમેન્ટ લીડર્સ માટે ગિફ્ટ સિટીનો ગાઇડેડ અનુભવ પ્રવાસ પણ યોજાયો હતો.

GIFT ifi અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ફિનટેક એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રી રેડીનેસ જેવા વિષયો પર ભવિષ્યમાં ભાગીદારી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. GIFT ifiની આ પહેલ ભારતના ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે ફ્યુચર-રેડી ટેલેન્ટ પુલ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.