ગુજરાતને રૂ. 35,000 કરોડની રેલવે યોજનાઓની ભેટઃ PMનો GenZ સાથે સંવાદ

વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વડોદરાની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ રાજ્યમાં રૂ. 35,000 કરોડથી વધુની રેલવે યોજનાઓનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ મહત્વપૂર્ણ સેક્શન પણ સામેલ છે. આ ત્રણેય નવા સેક્શનની કુલ લંબાઈ 326 કિલોમીટર છે અને તેના નિર્માણ પાછળ રૂ. 20,700 કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ સેક્શન શરૂ થયા બાદ માલગાડીઓની અવરજવર ઝડપી બનશે અને માલ પરિવહનની ક્ષમતામાં મોટો વધારો થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે અમદાવાદ એરપોર્ટ પર મિડિયા સાથે વાતચીત દરમિયાન વડા પ્રધાનની ગુજરાત મુલાકાત અને રેલવે યોજનાઓની પ્રગતિ અંગે માહિતી આપી હતી.

મુંબઈના રેલવે નેટવર્ક પર માલ પરિવહનનું દબાણ ઘટશે

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના આ સેક્શન શરૂ થવાથી JNPA પોર્ટ પરથી માલની અવરજવર સરળ બનશે. તેનાથી માલને દેશના અલગ-અલગ વિસ્તારોમાં ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થવાની આશા છે.

વડા પ્રધાન આ પ્રસંગે ચાર સ્થળોથી નવી ફ્રેઇટ ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવશે. એ સાથે જ ટાંડા રોડથી વડોદરા (પ્રતાપનગર) વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવશે.

જોબટ-ટાંડા રોડ રેલવે લાઇનથી આદિવાસી વિસ્તારોને લાભ

વડાપ્રધાન મોદી પોતાની મુલાકાત દરમિયાન જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટથી અલીરાજપુરના દૂરના અને આદિવાસી વિસ્તારોની કનેક્ટિવિટી રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે વધુ મજબૂત બનશે.

રૂ. 9700 કરોડની ત્રણ યોજનાઓનું શિલાન્યાસ

વડા પ્રધાન મોદી આશરે રૂ. 9700 કરોડના ખર્ચે તૈયાર થનારી ત્રણ નવી રેલવે યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ યોજનાઓમાં મુખ્યત્વે વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઇન, મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ કન્વર્ઝન અને વિશ્વામિત્રી-ડભોઈ રેલવે લાઇનના ડબલિંગનો સમાવેશ થાય છે.

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું સમગ્ર નેટવર્ક પૂર્ણ થશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દેશના પરિવહન માળખાની મહત્વપૂર્ણ કરોડરજ્જુ બનશે. તેમના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર JNPTથી દાદરી સુધી અને ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર લુધિયાણાથી પ્રયાગરાજની આગળ સોનનગર સુધી પૂર્ણ થઈ ચૂક્યો છે. વડોદરામાં ‘વિકસિત ભારત માટે નમો’ બ્રાન્ડિંગ હેઠળ એક અનોખો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવાનો અને જનરેશન-ઝેડ (Gen-Z)ને જોડવામાં આવ્યા છે. પ્રથમ વખત વડા પ્રધાનના કાર્યક્રમ માટે ‘BookMyShow’ પ્લેટફોર્મ મારફતે મફત ડિજિટલ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.

BookMyShow પર માત્ર એક કલાકમાં શો હાઉસફુલ

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માત્ર એક કલાકમાં તમામ 6000 સીટ બુક થઈ ગઈ હતી અને 42,000થી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં રહ્યા હતા. સમગ્ર સિસ્ટમ QR કોડ આધારિત રહેશે. શોનું લાઇવ પ્રોડક્શન અને બ્રોડકાસ્ટ FIFA વર્લ્ડ કપ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોના સ્તરનું હશે. આ કાર્યક્રમમાં 6000 યુવા પ્રોફેશનલ્સ ભાગ લેશે, જેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધો સંવાદ પણ કરી શકે છે.

નવસારી અને મુંબઈમાં કાર્યક્રમ

વડોદરા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જશે, જ્યાં તેઓ જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ સુરતથી મુંબઈ માટે રવાના થશે. મુંબઈમાં વડા પ્રધાન ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ 2026’માં ભાગ લેશે અને નાણાકીય ટેક્નોલોજી ક્ષેત્રના વૈશ્વિક દિગ્ગજોને સંબોધિત કરશે.