મુંબઈ: એક યુવક ઉર્દૂમાં કંઈક બબડતો હતો અને યુવતીના ચહેરા પર વારંવાર ફૂંક મારતો હતો. ગભરાયેલી યુવતી બૂમો પાડી રહી હતી અને અસ્થિર હાલતમાં દેખાઈ રહી હતી. બાજુમાં રાખેલી બોટલમાં પાણી હતું. યુવક તેના બંને હાથ પકડીને તેને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતો રહ્યો. યુવતી વારંવાર “મને છોડો” કહેતી હતી, છતાં તે અટક્યો નહોતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવતીએ આ યુવક વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં તેના પર કથિત રીતે કાળો જાદુ કર્યાનો આરોપ લગાવ્યો છે. પીડિતા વાયુસેનાના એક કર્મચારીની પત્ની છે અને આરોપી અયાઝ મદારે તેનો શાળાકાળનો જૂનો પરિચિત હોવાનું જણાવવામાં આવ્યું છે.
મહિલાનો દુષ્કર્મ અને કાળા જાદુનો આરોપ
આ ઘટના મહારાષ્ટ્રના નાગપુર શહેરની છે. વાયુસેનાના કર્મચારીની પત્નીએ અયાઝ મદારે અને તેના સાથીદારો પર બ્લેકમેલિંગ, દુષ્કર્મ અને જબરદસ્તી ધર્માંતરણ કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત બે લોકોને ધરપકડ કરી છે. ધર્માંતરણ કરાવ્યાનો આરોપ ધરાવતા મૌલાનાની શોધ માટે નાગપુર પોલીસની એક ટીમ મધ્ય પ્રદેશ પહોંચી છે. આ કેસમાં દુષ્કર્મ, વારંવાર યૌન શોષણ, ખંડણી, બ્લેકમેલિંગ, કથિત બ્લેક મેજિક, ધર્માંતરણ અને જબરદસ્તી નિકાહ જેવા આરોપો સામેલ છે.
પીડિતાની ઉંમર 24 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેણે પોતાના શાળાના જૂના પરિચિત અને તેના સાથીદારો સામે સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતા વ્યવસાયે પ્રોપર્ટી ડીલર છે, જ્યારે તેનો પતિ વાયુસેનામાં કાર્યરત છે. પોલીસે અયાઝ મદારે અને તેના સાથી અમીન શેખની ધરપકડ કરી છે.
પીણામાં નશીલી દવા ભેળવી બેભાન બનાવ્યાનો આરોપ
મહિલાના જણાવ્યા મુજબ 8 ફેબ્રુઆરી, 2025એ એક હોટેલમાં થયેલી મુલાકાત દરમિયાન અયાઝે તેના પીણામાં નશીલી દવા ભેળવી દીધી હતી, જેને કારણે તે બેભાન થઈ ગઈ હતી. તેને હોશ આવ્યો ત્યારે આરોપીએ તેની વાંધાજનક સ્થિતિમાં ફોટો અને વિડિયો બનાવી લીધા હતા. આ વિડિયો તેના પતિને મોકલવાની અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ આ ધમકીઓને આધારે વારંવાર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું અને તેની પાસેથી આશરે ચાર લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા હતા.






