રીલ બનાવતી યુવતીનું 13મા માળેથી પડીને મોત

બેંગલુરુઃ મિત્રો સાથે પાર્ટી કરવા નીકળી 20 વર્ષની યુવતીનું નિર્માણાધીન બિલ્ડિંગના 13મા માળેથી પડી જવાથી મોત થયું છે., યુવતી લિફ્ટ માટે રાખેલી ખાલી શાફ્ટ પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહી હતી ત્યારે તેનો પગ સ્લીપ થતાં તે નીચે પડી ગઈ. બેંગલુરુ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 194 હેઠળ અકુદરતી મોતનો કેસ દાખલ કર્યો છે.

જોકે પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર તેઓ હત્યાના એંગલ સહિત તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે અને મળનારા પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાર્ટી દરમિયાન થયો હતો ઝઘડો
યુવતી અને તેના મિત્રોએ બુધવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પારાપાના અગ્રહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં પાર્ટી માટે એકઠા થયા હતા. પાર્ટી દરમિયાન સંબંધોને લઈને ગ્રુપમાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ યુવતી તેના મોબાઇલથી દુઃખ વ્યક્ત કરતી ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહી હતી. તે સમયે તે લિફ્ટ માટેની ખાલી શાફ્ટ પાસે પહોંચી અને પગ લપસવાથી નીચે પડી ગઈ હતી, એમ અહેવાલ કહે છે.

મોબાઇલમાં રીલ મળી નથી
પોલીસના DCP (દક્ષિણ પૂર્વ)ના જણાવ્યા અનુસાર, યુવતીનો ફોન સ્થળ પરથી જ મળી આવ્યો છે, પરંતુ તેમાં કોઈ રીલની રેકોર્ડિંગ મળી નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ ઘટના સંબંધોની સમસ્યા સાથે સંકળાયેલી છે કે નહીં. હાલ તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે યુવતીનું મોત દુર્ઘટનાવશ થયું છે.