ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું: આસામ, પશ્ચિમ બંગાળમાં પૂરનું એલર્ટ

નવી દિલ્હીઃ નેપાળ બાદ હવે ભારતના અન્ય પાડોશી દેશ ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારે મોડી રાત્રે ભૂતાનના ગાસા જિલ્લામાં આવેલા શિન્તાફુ તળાવમાં ગ્લેશિયર ફાટવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભારતનાં કેટલાંક રાજ્યોમાં ચિંતા વધી છે. આસામ અને પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં તો 10,000થી વધુ લોકોને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

ભૂતાનમાં આવેલા આ પૂરને કારણે સોલરથી ચાલતા સિંચાઈ પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે સંકોશ નદીમાં પાણીનું સ્તર વધવાની આશંકા છે.

પુનાખામાં સોલર સિંચાઈ લિફ્ટિંગ સિસ્ટમ તબાહ

સ્થાનિક અહેવાલો અનુસાર પૂરના પાણીના કારણે પુનાખામાં સોલર સિંચાઈ લિફ્ટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી છે. ભૂતાનના અધિકારીઓના જણાવ્યાનુસાર પુનાખાના ગુમા ગેવોગ હેઠળ આવતા ડોચુખા-જોમલિંગથાંગ-રિત્સા ચિવોગમાં આવેલી ‘સોલર ઇરિગેશન લિફ્ટિંગ સિસ્ટમ’ને ‘મો છૂ’ નદીમાં આવેલા પૂરને કારણે નુકસાન થયું છે.

પશ્ચિમ બંગાળ અને આસામમાં એલર્ટ જાહેર

ભૂતાનમાં સર્જાયેલી આ કુદરતી આફત બાદ પૂરના પાણી ભારત તરફ આગળ વધી રહ્યાં છે. આથી આસામ અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના સંકોશ નદીના કિનારે આવેલા પાંચ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

સંકોશ નદીના આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના એસપી અમિત કુમાર શોએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં હું જિલ્લાના લોકોને કહેવા માગું છું કે ગભરાવાની કોઈ જરૂર નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અમે ભૂતાનના અધિકારીઓના સતત સંપર્કમાં છીએ. અમિત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, “અમારી SDRF ટીમ અહીં હાજર છે અને NDRFની એક ટીમ પણ રસ્તામાં છે. સંકોશ નદીની સમગ્ર વ્યવસ્થા માટે હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.”

ભૂતાનનાં સૌથી જોખમી 17 તળાવોમાં સામેલ છે શિન્તાફુ તળાવ

ઉલ્લેખનીય છે કે શિન્તાફુ ભૂતાનનાં સૌથી જોખમી 17 તળાવોમાંનું એક છે. આ તળાવ ભૂતાનના ગાસા જિલ્લાના લાયા ગેવોગના લુંગો વિસ્તારમાં વાકિલા પર્વતની નીચે આવેલું છે. આ તળાવ મો છૂ નદીના બેસિનના ઉપરના ભાગમાં સ્થિત છે.