પણજીઃ આજના સમયમાં સોશિયલ મિડિયાનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. બાળકો હોય કે મોટા—બધા જ પોતાનો મોટા ભાગનો સમય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર વિતાવે છે, પરંતુ ખાસ કરીને બાળકો માટે આ એક ચિંતાજનક બાબત બની રહી છે. કદાચ આ જ કારણ છે કે ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની વિચારણા કરી રહી છે. નોંધનીય છે કે આ બાબતનો સંકેત ખુદ રાજ્યના મંત્રીએ આપ્યો છે.
મંત્રીએ જણાવ્યું કે મોબાઇલની લત અને ખોટું કન્ટેન્ટ બાળકોની માનસિકતા પર ખરાબ અસર કરે છે અને તેમને આ બધાથી બચાવવાં ખૂબ જ જરૂરી છે. ગોવા સરકારનું આ પગલું ઓસ્ટ્રેલિયાના નિયમો જેવું લાગે છે, કારણ કે બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ સતત વધી રહી છે—ખાસ કરીને એવા દેશમાં જ્યાં એક અબજથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
ગોવાના અધિકારીઓ ઓસ્ટ્રેલિયાના કાયદા પર સંશોધન કરી રહ્યા છે, જેથી સગીરોના સોશિયલ મિડિયા ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે નક્કી કરી શકાય.
સરકાર સોશિયલ મિડિયા પર પ્રતિબંધ શા માટે મૂકવા માગે છે?
ગોવા સરકારનું કહેવું છે કે આજકાલ બહુ નાની ઉંમરનાં બાળકો મોબાઇલ અને સોશિયલ મિડિયાનું અતિશય ઉપયોગ કરી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખો ખરાબ થવી, ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે તેમના મગજ પર નકારાત્મક અસર કરે છે.

આ સિવાય, સોશિયલ મિડિયા પર ઘણી વખત ખોટા વિડિયોઝ, ખોટી માહિતી અને ખોટા લોકો પણ મળી જાય છે, જેના પ્રભાવમાં બાળકો સહેલાઈથી આવી જાય છે. સાઇબર બુલિંગ એટલે કે ઓનલાઇન હેરાનગતિ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મિડિયાથી દૂર રાખવાની યોજના બનાવી રહી છે.


