અમદાવાદ: IJFAના 50 વર્ષ પૂર્ણ થવાના સિલ્વર જ્યુબિલી (ગોલ્ડન જ્યુબિલી) નિમિત્તે ગોલ્ડફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA) એ છેલ્લા પાંચ દાયકાઓથી અનોખી ઓળખ અને સારા સંબંધો કેળવ્યા છે. 1975માં સ્થાપના થયેલી આ સંસ્થા ગુજરાતને “ભારતનું મિની-જાપાન” બનાવવાના વિઝન અને મિશનમાં અગ્રેસર રહી છે.
હમામત્સુ-અમદાવાદ સિસ્ટર સિટી સંબંધ અને શિઝુઓકા પ્રીફેક્ચર-ગુજરાત સિસ્ટર સ્ટેટ પાર્ટનરશિપની પ્રથમ વર્ષગાંઠ છે. જે નિમિત્તે “GOLDFEST” નામનો સાંસ્કૃતિક ઉત્સવ 10થી 14 જાન્યુઆરી સુધી યોજાશે. આ ઉત્સવની ઔપચારિક શરૂઆત 10 જાન્યુઆરી 2026ના રોજ શનિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “પતંગ-ઓ-દોરી” નામના પ્રથમ જાપાની પતંગ પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે થઈ.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે મુંબઈમાં જાપાનના કોન્સ્યુલેટ-જનરલના કલ્ચરલ અફેર્સના કોન્સલ મેગુમિ શિમાડા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદમાં જાપાનના ઓનરરી કોન્સલ મુકેશ પટેલ તેમજ જાપાની પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગોલ્ડફેસ્ટમાં શિઝુઓકા પ્રીફેક્ચર અને હમામત્સુ શહેરના પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યા છે. જાપાની પતંગો, સંગીત અને પરંપરાગત માચા (મેચા) સંસ્કૃતિને કેન્દ્રસ્થાને રાખીને આ ઉત્સવમાં ભારત-જાપાનના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવશે.
હમામત્સુ જાપાનનું પતંગ ઉડાનનું કેન્દ્ર છે, જ્યારે અમદાવાદ ઉત્તરાયણના પ્રખ્યાત ઉત્સવ માટે જાણીતું છે – આ પ્રદર્શન બંને શહેરોની સમાન પતંગ સંસ્કૃતિને ઉજાગર કરશે.




