‘ગોલમાલ 5’ ની રિલીઝ ડેટનું સત્તાવાર એલાન

બોલિવૂડના મશહૂર ડિરેક્ટર રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ ના પાંચમા સીક્વલ ‘Golmaal 5’ ની આતુરતાથી રાહ જોઈ રહેલા સિનેપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ‘ગોલમાલ 5’ ની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મ 8 જાન્યુઆરી 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રોહિત શેટ્ટીએ શેર કર્યું સ્પેશિયલ પોસ્ટર

ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. પોસ્ટર સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે, “હાસ્ય, મસ્તી, આનંદ, ખુશી અને પરિવાર… બસ, બીજું કંઈ નહીં! 8 જાન્યુઆરી 2027.” આ જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર બોલિવૂડ ફેન્સ અને ટ્રેડ એનાલિસ્ટ્સ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

20 વર્ષ બાદ શરમન જોશીની સપ્રાઈઝ વાપસી

‘ગોલમાલ 5’ માં સૌથી મોટો અને રોમાંચક બદલાવ શરમન જોશીનું કમબેક છે. શરમન જોશી વર્ષ 2006 માં આવેલી આ સીરીઝની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘Golmaal: Fun Unlimited’ માં ‘લક્ષ્મણ’ ના યાદગાર રોલમાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ આવેલી ત્રણેય ફ્રેન્ચાઇઝીમાં તેઓ જોવા મળ્યા ન હતા. હવે લગભગ બે દાયકા (20 વર્ષ) પછી શરમન જોશી ફરી એકવાર અજય દેવગન, અર્શદ વારસી, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે અને તુષાર કપૂર સાથે જોડી જમાવશે.

ગોલમાલ યુનિવર્સમાં અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી

આ વખતે ફિલ્મની સ્ટારકાસ્ટમાં સુપરસ્ટાર અક્ષય કુમારનો ઉમેરો એ સૌથી મોટું સરપ્રાઇઝ સાબિત થશે. માર્ચ 2026 માં અક્ષય કુમારના જન્મદિવસે રોહિત શેટ્ટીએ તેમની કાસ્ટિંગનું એલાન કર્યું હતું. અક્ષય પ્રથમ વખત ગોલમાલ વર્લ્ડમાં કદમ મૂકી રહ્યા છે અને ચર્ચાઓ મુજબ તેઓ ફિલ્મમાં નેગેટિવ (વિલન) ભૂમિકામાં નજરે પડી શકે છે, જોકે તેમના રોલ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે ‘ગોલમાલ’ સીરીઝના અત્યાર સુધીના ચારેય ભાગ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયા છે, જેથી હવે ‘ગોલમાલ 5’ પર પણ સફળતાનો આ ટ્રેક રેકોર્ડ જાળવી રાખવાની મોટી જવાબદારી રહેશે.