ઈ-રિક્શા બેટરી હેક કરવાવાળી ચીની એપ પર સરકારે મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ઈ-રિક્શાને રિમોટથી બંધ કરી શકતી ચીની એપ્સ સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. ઈ-રિક્શાચાલકોને સતત પડી રહેલી મુશ્કેલીઓ અને સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા વિડિયો બાદ સરકારે Google Play Store અને Apple App Store પરથી BAT-BMS, Epoch Li-ion, Lossigy સહિતની એપ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ એપ્સનો ઉપયોગ કથિત રીતે ઈ-રિક્શાની બેટરી સાથે જોડાઈને વાહનને દૂરથી બંધ કરવા માટે થતો હતો.

આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે સોશિયલ મિડિયા પર એવા વિડિયો વાયરલ થયા હતા, જેમાં કેટલાક લોકો બ્લુટૂથ દ્વારા સુસંગત (કમ્પેટિબલ) ઈ-રિક્શાની લિથિયમ બેટરી સાથે જોડાઈને ચાલતા વાહનને અચાનક બંધ કરતા જોવા મળ્યા હતા. આ વિડિયોએ ઈ-રિક્શાચાલકો, ડીલરો અને ઈવી (EV) વપરાશકર્તાઓમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી હતી. આ વાયરલ વિડિયોમાં અનેક સ્થળોએ ઈ-રિક્શા અચાનક બંધ થઈ જતાં ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક ચાલકો રસ્તા પર રડતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાકને લાંબા અંતર સુધી પોતાનીં ઈ-રિક્શા ધક્કો મારીને લઈ જવી પડી હતી. આ ઘટના બાદ દિલ્હીના પરિવહન મંત્રી પંકજ સિંહે પરિવહન વિભાગને BAT-BMS એપની વિશ્વસનીયતા અને તેના સંબંધિત દાવાઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ એપ્સ મર્યાદિત અંતર સુધી બ્લુટૂથ સક્ષમ લિથિયમ બેટરી સાથે વાયરલેસ રીતે જોડાઈ શકે છે. આ એપ્સનો હેતુ બેટરીના વોલ્ટેજ, તાપમાન અને કરંટ જેવી માહિતીનું મોનિટરિંગ કરવાનો હતો, પરંતુ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે તેનો દુરુપયોગ કરીને બેટરીને રિમોટથી નિયંત્રિત કરી વાહન બંધ કરી શકાય તેવી શક્યતા સામે આવી છે.જેથી કેન્દ્ર સરકારે BAT-BMS, Lossigy અને Epoch Li-ion એપ્સને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે જો આવા જ પ્રકારની અન્ય કોઈ એપ પણ સામે આવશે, તો તેને પણ તાત્કાલિક બ્લોક કરવામાં આવશે.