સરકારનો મોટો નિર્ણયઃપંચાયતોમાં ભ્રષ્ટાચાર સાબિત થયો તો DDO કરશે ઘરભેગા

રાજ્ય સરકારે પંચાયતોમાં પારદર્શકતા લાવવા અને ભ્રષ્ટાચારને મૂળથી ખતમ કરવા માટે કડક પગલાં ભર્યા છે. પંચાયતી રાજ વ્યવસ્થામાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા નવું રાજપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

આ નવી જોગવાઈ મુજબ હવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદાર સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થાય, તો જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમને તરત જ પદ પરથી હટાવી શકશે, એટલે કે ‘ઘરભેગા’ કરી શકશે.

આ ઉપરાંત, ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા DDO તથા તેમની ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે, જેથી તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જેવા ઉચ્ચ હોદ્દેદારો સામે પણ નિષ્પક્ષ અને કડક કાર્યવાહી શક્ય બને.

સરકારના આ નિર્ણયથી ભ્રષ્ટાચારની ફરિયાદ કરવાની પ્રક્રિયા પણ સરળ બની ગઈ છે. હવે નાગરિકો કે અધિકારીઓ માત્ર લખિત અરજી કે મૌખિક માહિતીના આધારે પણ તપાસ શરૂ કરી શકશે, લાંબી પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટાયેલા હોદ્દેદારો સામે સીધી કાર્યવાહી કરવાની સત્તા અધિકારીઓને આપતું આ રાજપત્ર ભ્રષ્ટાચાર સામે સરકારના કડક અને શૂન્ય સહનશીલતાવાળા વલણને સ્પષ્ટ રીતે દર્શાવે છે.