નવી દિલ્હીઃ ઈરાન-ઇઝરાઇલ યુદ્ધને કારણે મધ્ય-પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિની અસર દેશના ઓઇલ અને ગેસ સપ્લાય પર જોવા મળી રહી છે. ગેસની ભારે અછત સર્જાઈ છે, જેને કારણે સરકારે આકરા નિયમો અમલમાં મૂક્યા છે. ઘરેલુ ઉપયોગ માટેની ગેસ હજુ ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે. લોકો ગેસ સિલિન્ડરની જથ્થાબંધ ખરીદી ન કરે અને LPG સપ્લાયમાં વિક્ષેપ ન આવે એ માટે કેન્દ્ર સરકારે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (ESMA) લાગુ કર્યો છે.
સરકારે ઘરેલુ રસોઈ ગેસના અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા માટે આવશ્યક વસ્તુઓ અધિનિયમ (EC Act) હેઠળ પગલાં લીધાં છે. રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ એકમોને LPG ઉત્પાદન મહત્તમ સ્તરે વધારવા તથા મુખ્ય હાઇડ્રોકાર્બન સ્ત્રોતોને LPG પૂલ તરફ વાળવા સૂચના આપવામાં આવી છે.
ESMA શું છે?
આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (ESMA) એવો કાયદો છે, જે સામાન્ય જનજીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સેવાઓ સતત ચાલુ રહે એ માટે બનાવવામાં આવ્યો છે. આ સેવાઓમાં જાહેર પરિવહન (બસ સેવા), આરોગ્ય સેવાઓ (ડોક્ટરો અને હોસ્પિટલ) જેવી સેવાઓનો સમાવેશ થાય છે, કારણ કે આ સેવાઓ ખોરવાય તો સીધી અસર સામાન્ય જનતા પર પડે છે.
‘ESMA’ હેઠળ ઓઇલ રિફાઇનરીઓને સૂચનાઓ
સરકારે ESMA હેઠળ મળેલી ઇમર્જન્સી સત્તાઓનો ઉપયોગ કરીને ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે સંભવિત વિક્ષેપનો સામનો કરવા અને ઘરેલુ રસોઈ ગેસની ઉપલબ્ધતા વધારવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારતમાં LPG વપરાશ 3.13 કરોડ ટન રહ્યો હતો, જેમાંથી માત્ર 1.28 કરોડ ટનનું ઉત્પાદન દેશમાં થયું હતું, જ્યારે બાકીની જરૂરિયાત આયાત દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.
પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા માટે પ્રાથમિકતા નક્કી
સરકારે આવશ્યક વસ્તુઓ અધિનિયમની જોગવાઈઓ અમલમાં મૂકીને પ્રાકૃતિક ગેસના વિતરણ માટે પ્રાથમિકતા નક્કી કરી છે. પ્રથમ પ્રાથમિકતા પાઇપ દ્વારા મળતી ઘરેલુ ગેસ (PNG) અને વાહનો માટેની CNG ને આપવામાં આવી છે, જેને 100 ટકા ગેસ સપ્લાય આપવામાં આવશે. બીજી પ્રાથમિકતા ખાતર ઉત્પાદન કરતી ફેક્ટરીઓને આપવામાં આવી છે, જેને છેલ્લા છ મહિનાની સરેરાશ જરૂરિયાતના 70 ટકા ગેસ ઉપલબ્ધ કરાવવો ફરજિયાત રહેશે.
હોર્મુઝ જળમાર્ગ બંધ થતાં ઓઇલ-ગેસ સંકટ
ભારતનું લગભગ 85-90 ટકા ઓઇલ આયાત સાઉદી અરેબિયા સહિતના દેશોમાંથી થાય છે, જે હોર્મુઝ જળમાર્ગ પર નિર્ભર છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાઇલ વચ્ચે છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને કારણે આ સમુદ્રી માર્ગ બંધ થયો છે. ભારત પાસે પૂરતી રિફાઇનિંગ ક્ષમતા હોવા છતાં LPG ઉત્પાદન ઓછું હોવાથી સરકારે ઉત્પાદન વધારવા સૂચનાઓ આપી છે.




