નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મોટો અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાંથી પસાર થઈને આવતા વિધેયકોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવા માટે કોઈ નક્કી સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાના સ્તરે કોઈ પણ વિધેયકને “માની લીધેલી મંજૂરી” તરીકે જાહેર કરી શકતી નથી, કારણ કે એ તેનું અધિકાર ક્ષેત્ર નથી.
આ નિર્ણય મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠ દ્વારા આપવામાં આવ્યો હતો. પીઠે જણાવ્યું હતું કે જો રાજ્યપાલ બંધારણની કલમ 200માં જણાવેલી પ્રક્રિયા અનુસર્યા વગર વિધેયકોને લાંબા સમય સુધી લંબાવે છે તો તે દેશના સંઘીય માળખા માટે યોગ્ય નથી. તેથી રાજ્યપાલને કોઈ વિધેયક અનંત સમય સુધી અટકાવી રાખવાની શક્તિ હોવી એ યોગ્ય નથી અને એ માન્ય પણ નથી.
ખંડપીઠમાં ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને ન્યાયમૂર્તિ એ.એસ. ચંદુરકર પણ સામેલ હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 143 (1) હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ માગી હતી. તેના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલ પાસે ફક્ત ત્રણ વિકલ્પ હોય છે—તે અથવા તો બિલને મંજૂરી આપે, અથવા તેને પુનર્વિચાર માટે વિધાનસભા પાસે પાછું મોકલે અથવા તેને રાષ્ટ્રપતિને મોકલે.
કોર્ટે જણાવ્યું હતું કે ભારત જેવા લોકશાહી દેશમાં રાજ્યપાલ માટે કોઈ નક્કી સમયમર્યાદા નક્કી કરવી બંધારણ દ્વારા આપવામાં આવેલી લવચિક પ્રણાલિકાની વિરુદ્ધ છે. આ ઉપરાંત કોર્ટે તમિલનાડુના કેસમાં 8 એપ્રિલે અપાયેલી માન્ય મંજૂરીના નિર્ણયને ખોટો ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 200 હેઠળ રાજ્યપાલના અધિકારો ન્યાયિક સમીક્ષાના વિસ્તારથી બહાર છે.


