નીટ પરીક્ષા પહેલાં ટેલિગ્રામ પર સરકારની કામચલાઉ લગામ

નવી દિલ્હીઃ નીટ (NEET) પરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારે આકરાં પગલાં લેતાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દ્વારા 22 જૂન સુધી ભારતમાં ટેલિગ્રામની સેવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એ ઉપરાંત 30 જૂન સુધી ટેલિગ્રામ પર કોઈ પણ મેસેજને એડિટ કરવાની સુવિધા પણ બંધ રાખવામાં આવશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. NTAનું કહેવું છે કે નકલ અને છેતરપિંડી કરનારા ગેંગો NEET ઉમેદવારોને ઠગવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરતા હતા અને પેપર લીક થયાના ખોટા દાવા કરતા હતા.ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C)એ NTA અને વિવિધ રાજ્ય પોલીસ પાસેથી મળેલી માહિતીને આધારે અનેક ટેલિગ્રામ ચેનલો, ગ્રુપ્સ અને બોટ્સને બંધ કરાવવામાં મદદ કરી છે.

નીટ-યુજી પરીક્ષા પહેલાં સરકારની કાર્યવાહી

  1. NTAની ભલામણ પર ટેક્નોલોજી મંત્રાલયે (MeitY)એ ભારતમાં ટેલિગ્રામ પર મર્યાદિત સમય માટે પ્રતિબંધ લગાવ્યો છે.
  2. આવનારી NEET (UG) 2026ની રિ-એક્ઝામને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  3. ટેલિગ્રામ મારફતે વિદ્યાર્થીઓ સાથે થતી છેતરપિંડી, ઠગાઈ અને ખોટા “પેપર લીક”ના દાવાઓ સામે કાર્યવાહી કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
  4. અનેક ગેંગો પરીક્ષા પહેલાં લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા હતા.
  5. 21 જૂને પરીક્ષા પૂર્ણ થયા પછીના દિવસે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

આખરે ટેલિગ્રામ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો?

NTAના જણાવ્યાનુસાર અલગ-અલગ ચેનલો સામે કાર્યવાહી કરવા છતાં જોખમ સંપૂર્ણપણે દૂર થયુ નહોતું. “પેપર લીક” અને રિ-એક્ઝામ 2026 જેવાં નામ ધરાવતા ટેલિગ્રામ ચેનલો ઉમેદવારો પાસેથી નકલી પ્રશ્નપત્રોને નામે હજારોથી લઈને લાખો રૂપિયા વસૂલતા હતા. NTAનો વધુમાં દાવો છે કે ટેલિગ્રામના મેસેજ એડિટિંગ ફીચરની મદદથી એડમિન જૂની ફાઈલોને બદલીને નવી ફાઈલો અપલોડ કરી શકતા હતા, જ્યારે મૂળ સમય (ટાઈમસ્ટેમ્પ) યથાવત્ રહેતો હતો. તેને કારણે પરીક્ષા બાદ ખોટા અને ભ્રામક પુરાવા ઊભા કરવામાં આવતા હતા, જેને કારણે પેપર લીક અંગે ગેરસમજ અને અફવાઓ ફેલાતી હતી. આ કારણે પરીક્ષાની પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓને છેતરપિંડીથી બચાવવા માટે સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.