GPSC ‘અવસર’ મોડ્યૂલથી પરીક્ષામાં અસફળ ઉમેદવારોને આપશે રોજગારી

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના તેજસ્વી પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની આખરી પસંદગીમાં અસફળ કે વેટિંગ લિસ્ટમાં રહી ગયેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગ દ્વારા ‘અવસર’ (AVSAR) નામનું એક ખાસ મોડ્યૂલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે તેજસ્વી ઉમેદવારો અને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી આપતી સંસ્થાઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે.

આયોગના સચિવ સુધીર પટેલે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જીપીએસસીની પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા પાસ કરી ઈન્ટરવ્યૂ સુધી પહોંચનારા ઉમેદવારો પ્રતિભાશાળી અને મહેનતુ હોય છે. આવા ઉમેદવારોની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થાય અને તેમને સરકારી સાહસો, સહકારી ક્ષેત્રો તેમજ પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓમાં ઉત્કૃષ્ટ તકો મળે તે હેતુથી આ મોડ્યૂલ તૈયાર કરાયું છે.

‘અવસર’ મોડ્યૂલની મુખ્ય વિશેષતાઓ અને મહત્વની બાબતો

  • ૧૮ હજારથી વધુ ઉમેદવારોને થશે સીધો લાભ: છેલ્લા પાંચ વર્ષમાં (૧ જુલાઈ, ૨૦૨૬ પહેલાં) પૂર્ણ થયેલી વર્ગ-૧ અને વર્ગ-૨ની ૪૧૫થી વધુ ભરતીઓના આખરી પરિણામમાં અસફળ રહ્યા હોય અથવા પ્રતીક્ષાયાદી (Waiting List)માં સમાવિષ્ટ હોય તેવા ૧૮,૦૦૦ કરતાં પણ વધુ ઉમેદવારો આ પ્લેટફોર્મનો લાભ લઈ શકશે.

  • ઓનલાઈન સંમતિ (Candidate Consent): ઉમેદવારોની પૂર્વ સંમતિ બાદ જ તેમની વિગતો આગળ શેર કરવામાં આવશે. આ માટે ઉમેદવારે GPSC OJAS Portal પર જઈને ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. સુરક્ષા માટે રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈ-મેઈલ પર OTP ની વ્યવસ્થા રાખવામાં આવી છે. ભવિષ્યની ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે જ આ વિકલ્પ આપવામાં આવશે.

  • ડેટા સિક્યોરિટી અને પ્રાઈવસી (Data Privacy): ઉમેદવારોનો ડેટા (નામ, ઈ-મેઈલ, મોબાઈલ નંબર અને લાયકાત) માત્ર માન્ય સંસ્થાઓ સાથે જ શેર કરાશે. આ ડેટાનો ઉપયોગ માત્ર રોજગારી આપવા સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકાશે નહીં અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી જે-તે સંસ્થાની રહેશે.

  • મધ્યસ્થી તરીકે આયોગની ભૂમિકા: GPSC આ પ્રક્રિયામાં માત્ર એક ‘માધ્યમ’ તરીકે કામ કરશે. ઉમેદવારોની પસંદગી, નોકરીની શરતો, વેતનધોરણ કે અન્ય સેવા નિયમો બાબતે આયોગની કોઈ કાનૂની જવાબદારી રહેશે નહીં.

વહીવટી, તબીબી, શૈક્ષણિક અને ટેકનિકલ કેડર મુજબ તૈયાર કરાયેલા આ ડેટાબેઝ અંગે વધુ વિગતો મેળવવા માટે ઉમેદવારોને આયોગની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in અને GPSC-OJAS પોર્ટલની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.