કેમ્પ હનુમાનની ભવ્ય શોભાયાત્રા: CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.શાહીબાગ વિસ્તાર સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ ટ્રક, ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લો, વિશાળ ગદા, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રાના રૂટ પર ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાહીબાગ કેમ્પ હનુમાનથી નીકળેલી આ શોભાયાત્રા બપોરે વાસણા બેરેજ સ્થિત વાયુદેવતા મંદિરે પહોંચશે અને ત્યાંથી સાંજે નિજ મંદિરે પરત ફરશે. લોકવાયકા મુજબ, હનુમાનજી પોતાના જન્મદિવસે ઉત્સવ ઉજવતા પહેલા પિતા વાયુદેવની મંજૂરી લેવા માટે જાય છે. આ મંજૂરી લેવાની પ્રક્રિયાના ભાગરૂપે જ દર વર્ષે હનુમાન જયંતિના આગળના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભક્તો માને છે કે પિતાની પરવાનગી બાદ જ હનુમાન જયંતિનો મહોત્સવ સાચી રીતે સફળ બને છે.

આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી, એડીસી બૅન્કના ચેરમેન અજયભાઈ પટેલ, મંદિરના અન્ય ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.