GSRTC બસોમાં છેલ્લાં એક વર્ષમાં QR કોડથી એક કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના સંકલ્પને સાકાર કર્યો. મુસાફર સુવિધા અને પારદર્શિતાના ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો. નિગમ દ્વારા અમલી કરાયેલી ETM QR કોડ સિસ્ટમ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં (એપ્રિલ ૨૦૨૫થી મે ૨૦૨૬ સુધીમાં) મુસાફરો દ્વારા ૧.૦૩ કરોડથી વધુ સફળ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેનાથી નિગમને ₹૧૧૨.૪૫ કરોડથી વધુની આવક થઈ છે.

કેશલેસ મુસાફરીમાં ચાર ગણો વધારો

  • ૧૦,૫૦૦ નવા મશીનો: નિગમના પી.આર.ઓ. શ્રદ્ધા ભટ્ટના જણાવ્યા મુજબ, ૧૬ વિભાગના ૧૨૫ ડેપો ખાતે ૧૦,૫૦૦ નવા ઈ-બીટીએમ (E-BTM) મશીનો ફાળવવામાં આવ્યા છે.

  • ટ્રાન્ઝેક્શનમાં ઉછાળો: એપ્રિલ ૨૦૨૫માં જ્યાં દર મહિને ૪.૬૦ લાખ QR ટ્રાન્ઝેક્શન થતા હતા. તે મે ૨૦૨૬માં ચારગણા વધીને ૧૭.૩૪ લાખથી વધુ નોંધાયા છે. હાલમાં નિગમને આ માધ્યમથી દર મહિને ₹૧૯.૩૭ કરોડની ડિજિટલ આવક થઈ રહી છે.

  • આ સુવિધા હવે તમામ એસ.ટી. બસો અને ડેપો પર ઉપલબ્ધ કરાતા મુસાફરોને કંડક્ટર સાથે છૂટા પૈસા બાબતે થતી પરેશાનીમાંથી કાયમી મુક્તિ મળી.

ગ્રામીણ મુસાફરો માટે ૨,૫૦૦ લોકલ ટ્રિપ્સ ઓનલાઇન

મુસાફરોની સુવિધામાં મોટો વધારો કરતાં GSRTC દ્વારા હવે ૧૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે ૨,૫૦૦ જેટલી લોકલ ટ્રિપ્સને પણ ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ સાથે જોડી દેવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણયના કારણે હવે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના મુસાફરો પણ બસ સ્ટેન્ડની લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર ઘરે બેઠા જ લોકલ બસની ટિકિટ એડવાન્સમાં બુક કરાવી શકશે.

વેકેશનમાં પ્રીમિયમ અને સ્લીપર બસો હાઉસફુલ

વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિના દરમિયાન નિગમ દ્વારા કુલ ૩૯,૩૭૨ પ્રીમિયમ અને નોન-પ્રીમિયમ ટ્રિપ્સનું સફળ સંચાલન કરાયું હતું. મુસાફરોની પસંદગીના આંકડા નીચે મુજબ છે:

  • પ્રીમિયમ એસી બસ: મે ૨૦૨૬ના વેકેશન ગાળામાં ૭૮.૮૫% બુકિંગ રેટ.

  • નોન-પ્રીમિયમ સ્લીપર બસ: છ મહિના દરમિયાન સરેરાશ ૭૭.૫૩% બુકિંગ રેટ.

  • વોલ્વો બસ: એપ્રિલમાં ૫૦% અને મે મહિનામાં ૫૭.૮૧% બુકિંગ નોંધાયું હતું.

ડિજિટલ પેમેન્ટના કારણે રોકડા નાણાંની હેરફેર ઘટતા વહીવટમાં ૧૦૦ ટકા પારદર્શિતા આવી છે અને કંડક્ટરોનો સમય અને મહેનત બંનેની મોટી બચત થઈ રહી છે.