નવી દિલ્હીઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની વસૂલાત મે મહિનામાં 3.2 ટકા વધીને 1.94 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે. આ વધારો માલ અને સેવાઓના પુરવઠામાં સુધારો તથા આયાત પરથી મળતા કર વસૂલાતમાં સતત વૃદ્ધિને કારણે થયો છે. મે, 2025માં કુલ GST વસૂલાત 1.88 લાખ કરોડ રૂપિયા હતી. ઘરેલુ વ્યવહારોમાંથી મે મહિનામાં કેન્દ્રીય GST (CGST) તરીકે 37,397 કરોડ રૂપિયા, રાજ્ય GST (SGST) તરીકે 45,143 કરોડ રૂપિયા અને એકીકૃત GST (IGST) તરીકે 51,990 કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી.

આ સમયગાળા દરમિયાન કરપાત્ર માલસામાનના પુરવઠામાં 26.9 ટકા વૃદ્ધિ નોંધવામાં આવી હતી, જે ઘરેલું માગમાં વધારો દર્શાવે છે. જ્યારે સર્વિસ ક્ષેત્રમાં 22.2 ટકા વૃદ્ધિ નોંધવામાં આવી હતી, જે સ્થાનિક વપરાશની મજબૂતીનો સંકેત આપે છે.
આયાત પરથી મળતી IGST વસૂલાત 19.1 ટકા વધીને 59,654 કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જે ઔદ્યોગિક ક્ષમતાના વિસ્તરણનો સંકેત માનવામાં આવે છે. GST રિફંડમાં પણ વધારો નોંધાયો છે. મે મહિનામાં રિફંડ 2.6 ટકા વધીને 27,281 કરોડ રૂપિયા થયું. રિફંડની ગણતરી બાદ, મે મહિનામાં શુદ્ધ GST આવક (Net GST Revenue) લગભગ 1.67 લાખ કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષની સરખામણીએ 3.3 ટકા વધુ છે. આ પહેલાં એપ્રિલમાં GST વસૂલાત 2.43 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી.
GST વસૂલાત અંગે નિષ્ણાતોનું શું કહેવું છે?
ભારતનું મે, 2026નું GST પ્રદર્શન પડકારો અને તકો બંનેને પ્રતિબિંબિત કરે છે. કુલ ઘરેલુ GST વસૂલાતમાં વાર્ષિક ધોરણે 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે શુદ્ધ ઘરેલુ GST આવકમાં 2.3 ટકાનો ઘટાડો અને ઘરેલું રિફંડમાં 4.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.જોકે આ ઘટાડાની અસરને આયાત પરના GST સંગ્રહમાં થયેલી મજબૂત વૃદ્ધિએ વધુ પ્રમાણમાં સંતુલિત કરી દીધી છે. મે મહિનામાં આયાત સંબંધિત IGST વસૂલાતમાં 19.1 ટકાનો વધારો થયો હતો અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ મળીને તેમાં લગભગ 30 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.






