જૂનમાં GST વસૂલાતમાં 14 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્ર અને કર વસૂલાતને મોરચે ખૂબ જ સારા સમાચાર છે. જૂનમાં દેશની GST વસૂલાતમાં 13.9 ટકા એટલે કે અંદાજે 14 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે અને કુલ વસૂલાત રૂ. 1.95 લાખ કરોડ સુધી પહોંચી છે. સરકારી આંકડાઓ મુજબ દેશના વેપારમાં તેજી અને આયાત (Import)માં થયેલા વધારાને કારણે કર વસૂલાતમાં આ મોટો ઉછાળો છે.

સ્થાનિક વેપાર અને આયાતથી નોંધપાત્ર આવક

આ વખતે જૂનની વસૂલાતમાં સૌથી મોટો વધારો આયાત પર વસૂલાત કરમાંથી જોવા મળ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર આયાતમાંથી મળતી કર આવકમાં 34.6 ટકાનો વધારો થયો છે અને તે રૂ. 60,038 કરોડ સુધી પહોંચી છે. જ્યારે દેશના  સ્થાનિક વ્યવહારોમાંથી મળતી કુલ GST વસૂલાતમાં 6.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે લગભગ રૂ. 1.35 લાખ કરોડ રહી છે.

રિફંડ બાદ પણ સરકારની આવક મજબૂત રહી

સરકારે જૂનમાં વેપારીઓ અને કંપનીઓને કુલ રૂ. 32,436 કરોડનું GST રિફંડ ચૂકવ્યું, જે ગયા વર્ષની સરખામણીએ 29.1 ટકા વધુ છે. તેમ છતાં આટલું મોટું રિફંડ ચૂકવ્યા બાદ પણ સરકારની નેટ GST વસૂલાતમાં 11.2 ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂ. 1.62 લાખ કરોડથી વધુ રહી છે. જો નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલથી જૂન)ની વાત કરીએ તો કુલ ગ્રોસ GST વસૂલાત 8.4 ટકાના વધારા સાથે રૂ. 6,31,699 કરોડ સુધી પહોંચી છે.

સૌથી વધુ GST વસૂલાત કરનારા ટોચનાં પાંચ રાજ્ય

જૂનમાં GST વસૂલાતને મામલે પાંચ રાજ્યો સૌથી આગળ રહ્યાં:

  • મહારાષ્ટ્ર – રૂ. 9924 કરોડ સાથે પ્રથમ સ્થાન.
  • ગુજરાત – રૂ. 4333 કરોડની વસૂલાત સાથે બીજા સ્થાને.
  • કર્ણાટક – રૂ. 4118 કરોડનું GST કલેક્શન.
  • તામિલનાડુ – રૂ. 3639 કરોડની વસૂલાત.
  • ઉત્તર પ્રદેશ – રૂ. 3249 કરોડ સાથે ટોચના પાંચમું સ્થાન.