ગુજરાતમાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી 26 જાન્યુઆરી 2026ના રોજ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. આ ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ દળ દ્વારા નિદર્શનો પ્રસ્તુત કરવામાં આવશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ યોજાનારી ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. મંત્રી મંડળના અન્ય સભ્યો પણ વિવિધ સ્થળોએ હાજર રહેશે, જેમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવસારીના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટના જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરના માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા પોરબંદરના રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વલસાડના ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી ખેડાના ઠાસરામાં ધ્વજવંદન કરાવશે.

આ ઉપરાંત, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ અલગ-અલગ તાલુકા મથકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવશે. જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદાના એકતાનગરમાં, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકિલ છોટાઉદેપુરના બોડેલીમાં, મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી ગીર-સોમનાથના તાલાલામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા કચ્છના ભુજમાં, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા પંચમહાલના હાલોલમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં અને કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા ભાવનગરના વલ્લભીપુરમાં ધ્વજવંદન કરાવશે. તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળી મહેસાણાના વિસનગરમાં, રમત ગમત રાજ્ય મંત્રી ડો. જયરામ ગામિત ડાંગના આહવામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અમરેલીના ખાંભામાં, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ વડોદરાના વાઘોડિયામાં, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા આણંદના ખંભાતમાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા મહિસાગરના કડાણામાં, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર પાટણના શંખેશ્વરમાં અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા બોટાદના ગઢડામાં ધ્વજવંદન કરાવશે.
રાજ્યના અન્ય 9 જિલ્લાઓના તાલુકા મથકોએ જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. જેમાં અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ, ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, જામનગરના કાલાવડ, જુનાગઢના કેશોદ, મોરબીના ટંકારા, સુરતના માંડવી અને તાપીના ઉચ્છલનો સમાવેશ થાય છે.


