ગાંધીનગર : ગુજરાતના કૃષિ ક્ષેત્રને સંપૂર્ણપણે અદ્યતન, વૈજ્ઞાનિક અને ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના કૃષિ વિભાગ અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) સંપન્ન થયા છે.
આ કરારનો મુખ્ય ઉદ્દેશ રિમોટ સેન્સિંગ, GIS અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેકનોલોજીના સમન્વયથી રાજ્યના સમગ્ર કૃષિ ક્ષેત્રનું ડિજિટલ મોનિટરિંગ કરવાનો છે. સેટેલાઇટ ઇમેજિંગ દ્વારા પાકના વાવેતર વિસ્તાર, ઉત્પાદન ક્ષમતા અને કુદરતી આપદા સમયે પાક નુકસાનીનું સચોટ આંકલન કરવામાં આવશે.
ખેડૂતોને થનારા મુખ્ય ફાયદાઓ:
-
સ્માર્ટ એડવાઇઝરી: ખેડૂતોને વાવણીથી લઈને કાપણી સુધી પાકનું સ્વાસ્થ્ય, હવામાનના ફેરફાર અને જમીનમાં ભેજના પ્રમાણ અંગેની માહિતી મોબાઈલ એપ દ્વારા મળશે.
-
AI અને ચેટ-બોટની સુવિધા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રોગ-જીવાતની ત્વરિત ઓળખ અને નિવારણ માટે સચોટ માર્ગદર્શન મળશે. ખેડૂતો ચેટ-બોટ મારફત પોતાના પ્રશ્નોનું ક્ષણવારમાં નિરાકરણ મેળવી શકશે.
-
ઝડપી રાહત સહાય: પૂર, દુષ્કાળ કે કમોસમી વરસાદ સમયે સેટેલાઇટ દ્વારા નુકસાનીનું સચોટ મૂલ્યાંકન થશે, જેથી સરકારી રાહત-સહાયનો લાભ વિના વિલંબે મળી શકશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિ ભવન ખાતે વિષય નિષ્ણાતોની ટીમ સાથેનું આધુનિક ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ સતત કાર્યરત છે. ISRO સાથેની આ ભાગીદારી ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ અને સક્ષમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.






