વિધાનસભામાં ‘વંદે માતરમ્’ વખતે બેસી રહેતા કોંગ્રેસ ધારાસભ્ય ખેડાવાલા સામે ભાજપ લાલઘૂમ

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો પ્રારંભ પહેલા જ દિવસે ભારે હંગામા અને રાજકીય ગરમાવા વચ્ચે થયો છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ એક અભૂતપૂર્વ વિવાદ સામે આવ્યો હતો. ગૃહની પરંપરા મુજબ સત્રની શરૂઆતમાં ‘વંદે માતરમ્’નું ગાન કરવામાં આવી રહ્યું હતું, તે સમયે કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાની જગ્યા પર બેસી રહ્યા હોવાનું સામે આવતાં ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે.

માતૃભૂમિનું અપમાન, જાહેર માફી માંગે ખેડાવાલા: મંત્રી પ્રવિણ માળી

રાષ્ટ્રીય ગીત દરમિયાન ધારાસભ્ય બેસી રહેવાની ઘટનાને રાજ્ય સરકારના મંત્રી પ્રવિણ માળીએ અત્યંત ગંભીર ગણાવી છે. મંત્રીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગીત અને માતૃભૂમિ પ્રત્યે સન્માન જાળવવું એ દરેક જનપ્રતિનિધિની પ્રાથમિક ફરજ છે. ખેડાવાલાએ આ કૃત્ય જાણીજોઈને કર્યું છે કે અજાણતા થયું છે તે અંગે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ અને જો તે ભુલ હોય તો સમગ્ર દેશ તથા ગુજરાતની જનતા સમક્ષ માફી માંગવી જોઈએ.

વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય આવી ઘટના બની નથી: મહેશ કસવાલા

ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આ મુદ્દે ગંભીર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકશાહીના પવિત્ર ધામ સમાન વિધાનસભા ગૃહમાં ‘વંદે માતરમ્’નું આ પ્રકારે અનાદર થવું એ સમગ્ર રાજ્ય માટે દુઃખદ છે. વિધાનસભાના ઈતિહાસમાં અગાઉ ક્યારેય આવી ઘટના બની નથી. શાસક પક્ષના તમામ ધારાસભ્યો આ બાબતે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રૂબરૂ મુલાકાત લઈને રજૂઆત કરશે અને કાયદાકીય તથા સંસદીય મર્યાદાના ભંગ બદલ આકરા પગલાં લેવાની સત્તાવાર માંગ કરશે.

આ વિવાદ વચ્ચે ગૃહની બહાર પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અને વધતી જતી મોંઘવારીના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના કારણે ચોમાસું સત્રનો પ્રથમ દિવસ સંપૂર્ણપણે તોફાની બની રહ્યો હતો.