ગાંધીનગર: ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેના પગલે આજે ભાજપે ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. રાજ્યની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થતાં ભાજપના ત્રણ જૂના જોગીઓનું પત્તું કપાઈ ગયું છે. ભાજપે આ વખતે રાજ્યસભામાં પણ નો રિપીટ થીયરી અપનાવી છે. 
કોણ છે રાજ્યસભાના આ ચાર ઉમેદવાર?
મુકેશ રાઠવા: ભાજપ મહામંત્રી, પૂર્વ છોટા ઉદેપુર યુવા મોરચા જિલ્લા પ્રમુખ, પૂર્વ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ
જીતેન્દ્ર કણઝારીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર, જિલ્લા પંચાયતની પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર
માનસિંહ પરમાર: ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ
રાજેશ શુક્લા: કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કડી-કલોલ ભાજપના કાર્યકર, સુરેન્દ્રનગર પ્રભારી 
કયા ચાર રાજ્યસભા સાંસદ નિવૃત થશે?
રામભાઈ હરજીભાઈ મોકરીયા (ભાજપ), નરહરિ હીરાભાઈ અમીન (ભાજપ), રમીલા બેચરભાઈ બારા (ભાજપ), શક્તિસિંહ હરિચંદ્રસિંહ ગોહિલ (કોંગ્રેસ)
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણી જાહેરનામું: 1 જૂન 2026
નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026
નામપત્રોની ચકાસણી: 9 જૂન 2026
નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026
મતદાન અને પરિણામ: 18 જૂન 2026
ગુજરાત કોંગ્રેસ માટે સંકટ
ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. જો કોઈપણ પક્ષ પાસે 10 ધારાસભ્ય હોય તો તેઓ દાવેદારી નોંધાવી શકે છે. ભાજપ થોડો પણ પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની જશે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.






