ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરતા “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણય અંગે મીડિયા સાથે સંવાદ કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન” હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્યના તમામ શહેરોને તબક્કાવાર ‘વાયર ફ્રી’ બનાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી મિશનના પ્રારંભિક તબક્કા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું કે, આ મિશન હેઠળ રાજ્યની તમામ ૧૭ મહાનગરપાલિકાઓ તથા ૧૫૧ નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. જે રાજ્યના શહેરી વિસ્તારોની સુંદરતા અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે.
જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, વાયર ફ્રી મિશન અંતર્ગત શહેરોમાં હાલ અસ્તિત્વ ધરાવતા ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે, ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેમાં ૧૪,૬૦૦ સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને ૩૧,૪૦૦ સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને તબક્કાવાર ભૂમિગત કરાશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૧૧ કે.વી. ઓવરહેડ લાઈનોને અને ત્યારબાદ લો ટેન્શન લાઈનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વધુમાં ઉમેર્યું કે, અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે. આ ઉપરાંત, ટેકનિકલ ફોલ્ટનું પ્રમાણ ઘટવાથી નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત અને કોઈપણ પ્રકારના અવરોધ વિના અવિરત વીજળી પ્રાપ્ત થશે.






