મુખ્યમંત્રી મોડી રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે

ગાંધીનગર: રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલી રાહત, બચાવ અને સ્થળાંતરની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવી અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી, નાગરિકોની સુરક્ષા અને જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.વરસાદને કારણે ઊભી થતી આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે અમદાવાદ, નવસારી અને સુરતમાં બે-બે આર્મી કોલમ તૈનાત રાખવામાં આવી છે. જરૂરિયાત ઊભી થાય તો આ ટીમો સ્થાનિક તંત્રને મદદરૂપ બનશે. જામનગર, જોધપુર, વડોદરા અને પુણે ખાતે એરફોર્સના હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેથી જરૂરી સમયે બચાવ અને રાહત કામગીરીને વધુ વેગ આપી શકાય. રાજ્ય સરકાર દ્વારા વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.