અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે પારસી ધર્મગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગ જણાવ્યું હતું કે રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે અને સખાવતનું બીજું નામ પારસી છે. ભૂપેન્દ્રભાઈ પટેલે પારસી સમાજની સેવા અને સમર્પણની ભાવનાની સરાહના કરી હતી.
આ સન્માન સમારંભનું આયોજન અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT) દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી પીરુઝ ખંભાતાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરે છે. AKBT આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત છે અને HIVગ્રસ્ત લોકોના કલ્યાણ માટે પણ નોંધપાત્ર કાર્ય કરે છે. આ પ્રસંગે ટ્રસ્ટે પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે નવી શિષ્યવૃત્તિની જાહેરાત પણ કરી હતી.
મુખ્યમંત્રીએ આ તકે પારસી સમાજના દિગ્ગજો જેવા કે મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરેના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ’નો સંદેશ આત્મસાત્ કર્યો છે અને તેઓ ગુજરાતના સામાજિક જીવનમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત સન્માન સમારંભ ઉપરાંત અન્ય વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી નાટક, મ્યુઝિક અને કોમેડી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ સમારોહમાં દેશભરમાંથી પારસી સમાજના અગ્રણીઓ, વડા દસ્તુરજીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


