ન્યૂયોર્ક: આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ USAના પ્રવાસે છે. પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રની અગ્રણી કંપનીઓના વડાઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન આઇ.ટી., ફાઇનાન્સિયલ સેવાઓ અને ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ અને સહયોગ અંગે ફળદાયી ચર્ચાઓ થઈ હતી.
૧. કિન્ડ્રીલ (Kyndryl) સાથે બેઠક: આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓની વિશ્વની સૌથી મોટી સર્વિસ પ્રોવાઇડર કંપની ‘કિન્ડ્રીલ’ છે. જેના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી ઝેકર્સેસ કુપર સાથે ગુજરાતના ડેલિગેશને બેઠક કરી. જેમાં એ.આઈ. (AI) સ્ટ્રેટેજિઝ, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે સ્કિલિંગ, નોલેજ શેરિંગ અને મેન્ટરશીપ પૂરી પાડવા અંગે સહયોગ દર્શાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર, એ.આઈ., ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતની ગ્રોથ સ્ટોરી રજૂ કરી કંપનીને વાઇબ્રન્ટ સમિટ 2027નું આમંત્રણ આપ્યું હતું.
૨. બ્લેકરોક (BlackRock) સાથે બેઠક: એસેટ મેનેજમેન્ટ અને ETF ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની ‘બ્લેકરોક’ સાથે મુલાકાત કરવામાં આવી. સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ હેડ સમારા કોહેન સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટી (GIFT City)ની વર્લ્ડ ક્લાસ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ વિશે વિગતવાર માહિતી આપી હતી. ગિફ્ટ સિટી એસેટ મેનેજમેન્ટ અને ઇ.ટી.એફ. ક્ષેત્રે ગ્લોબલ હબ બનવાની ક્ષમતા ધરાવતું હોવાથી બ્લેકરોકને અહીં પોતાની સેવાઓ વિસ્તારવા અને વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
૩. હોલ્ટેક ઇન્ટરનેશનલ (Holtec International) સાથે બેઠક: ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ આપતી હોલ્ટેક ઇન્ટરનેશનલના સી.ઈ.ઓ. સાથે બેઠક યોજવામાં આવી. આ કંપનીએ ગુજરાતમાં સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર સ્થાપવામાં રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 અંતર્ગત ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ્સને આપેલા પ્રોત્સાહન અંગે માહિતગાર કર્યા હતા.
આ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.




