મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટોરેન્ટો ખાતે બે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠકો યોજાઈ

કેનેડા: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ના પૂર્વતૈયારી રૂપે યુ.એસ. અને કેનેડાના પ્રવાસે ગયેલા ગુજરાત ડેલિગેશનની ટોરેન્ટો મુલાકાતના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહત્વની રાઉન્ડ ટેબલ બેઠકો કરી.

પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રીએ TiE (ધ ઈન્ડીસ એન્ટરપ્રેન્યોર્સ) ટોરોન્ટોના 30 જેટલા રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે ફળદાયી ચર્ચા-વિમર્શ કર્યો હતો. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત અને ગુજરાતને વૈશ્વિક સ્તરે ઈનોવેશન લીડર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ટેક્નોલોજી, ફિનટેક, પબ્લિક પોલિસીઝ અને ફાયનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રે કેનેડિયન તેમજ ગુજરાતી સાહસો વચ્ચે ભાગીદારી મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ ગુજરાતની નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપીને વાયબ્રન્ટ સમિટ-૨૦૨૭ પહેલાં રાજ્યમાં રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું.બીજી બેઠક કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) સાથે યોજાઈ હતી. જેમાં CHCC દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭માં સહભાગી થવાની તૈયારીને બિરદાવવામાં આવી હતી. આ જોડાણથી કેનેડા અને ગુજરાત વચ્ચે B2B સંબંધો, વેપાર અને રોકાણના નવા માર્ગો ખુલશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી.

આ બેઠકોમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિત વરિષ્ઠ ડેલીગેશન ઉપસ્થિત રહ્યા હતા.