ગાંધીનગર: મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ” કાર્યક્રમમાં ખાસ હાજરી આપી. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહિલાશક્તિનું અમૂલ્ય યોગદાન છે. આ સમારોહમાં મહિલા કલ્યાણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એક શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને એક શ્રેષ્ઠ મહિલા કાર્યકરને “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના ચાર ઝોનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને “માતા યશોદા એવોર્ડ” પણ એનાયત કરવામાં આવ્યા હતા.
સાહસિક મહિલાઓને સમાજના સાચા રોલ મોડેલ
રમત-ગમત, સામાજિક, સંરક્ષણ, ઉદ્યોગ, કલા-સંસ્કૃતિ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોની મહિલા અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીએ પ્રત્યક્ષ સંવાદ કર્યો. મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને મહિલાઓના કલ્યાણ તથા સ્વાસ્થ્ય સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓની છણાવટ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીને નવું સાહસ કરે છે, ત્યારે અનેક સામાજિક પડકારો સામે આવે છે. પરંતુ, આ અવરોધોને પાર કરીને સફળ થયેલી મહિલાઓ દેશની અન્ય લાખો બહેનો માટે પ્રેરણાનું કિરણ બને છે. તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહસિક મહિલાઓને સમાજના સાચા રોલ મોડેલ ગણાવ્યા હતા.
2.70 લાખથી વધુ સખીમંડળો કાર્યરત
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 2.70 લાખથી વધુ સખીમંડળો કાર્યરત છે. આ મંડળોના માધ્યમથી રાજ્યની લાખો બહેનોને કૌશલ્યવર્ધન તાલીમ આપીને રોજગારી સાથે જોડવામાં આવી છે. આ આંકડાઓ જ સાબિત કરે છે કે, મહિલાઓ રાજ્યના આર્થિક નિર્માણમાં મજબૂત ભાગીદાર છે. રાજ્યની વધુમાં વધુ દીકરીઓ વિજ્ઞાન પ્રવાહ તરફ વળે તે માટે સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી ક્રાંતિકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ હેઠળ ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૭૫,૦૦૦ સુધીની સહાય આપીને શિક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે.
રાજ્યમાં એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ
મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને યોગ્ય પ્રોત્સાહન આપીને રાજ્યમાં એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે, તેનો અનેક મહિલા ઉદ્યોગ સાહસિકોને લાભ મળ્યો છે. રાજ્યની વધુમાં વધુ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા તરફ વાળીને તેમને ‘જોબ સીકરમાંથી જોબ ગીવર’ બનાવવાનો નિર્ધાર છે. ખાસ કરીને ‘હોમ-બેઝ્ડ સ્ટાર્ટઅપ’ કરતી બહેનોને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં તેમને યોગ્ય કેટેગરીમાં સમાવી વધુ આર્થિક મદદ પૂરી પાડવાની દિશામાં સરકાર સક્રિય વિચારણા કરી રહી છે.




