દાહોદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની મુલાકાત દરમિયાન શુક્રવારે દાહોદ સ્થિત સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લાયબ્રેરીમાં વાંચન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીએ લાયબ્રેરીમાં ઉપલબ્ધ આધુનિક વાંચન સુવિધાઓ, અભ્યાસની વ્યવસ્થા અને વિદ્યાર્થીઓ માટેની અન્ય પ્રાથમિક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને કેવા પ્રકારનું વાતાવરણ અને સંસાધનો મળી રહ્યા છે તે અંગે તેમણે માહિતી મેળવી હતી.
વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, અભ્યાસની પદ્ધતિ અને આગામી પરીક્ષાઓની તૈયારીઓ અંગે પૃચ્છા કરી હતી. યુવાનોમાં વાંચનની ટેવ કેળવાય અને તેમને અભ્યાસ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેમાં આધુનિક લાયબ્રેરીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.






