અમદાવાદ: બોપલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિની ગંભીરતા સમજીને મુખ્યમંત્રીએ પોતે પાણીમાં ઊતરીને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સ્થળ પર જ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત સહિતના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.
મુખ્યમંત્રીએ વરસાદી પાણીના ઝડપી નિકાલ, રાહત કામગીરીને વધુ વેગ આપવા અને સ્થળ પર જ જરૂરી માનવબળ તેમજ જરૂરી સાધન-સામગ્રી તાત્કાલિક પૂરી પાડવા માટે અધિકારીઓને આદેશ આપ્યા હતા.




