ક્વાંટની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ લીધું ભોજન

છોટા ઉદેપુર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના ક્વાંટ તાલુકાની મોટી ચિખલોદ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન લીધું હતું. શાળાના નિયત મેનૂ મુજબ પુલાવ, ઢેબરા, શાક અને સલાડનું ભોજન આરોગવાની સાથે તેમણે ભોજન વ્યવસ્થા અને ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને વિગતો મેળવી હતી.આ પ્રસંગે મોટી ચિખલોદના સરપંચ પાર્વતી ભગવાન રાઠવા પણ જોડાયા હતા અને શાળાની પરંપરા મુજબ પ્રાર્થના ગાન બાદ સૌએ ભોજન શરૂ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરી અંગે હાજર ગ્રામજનો તથા વાલીઓ પાસેથી પણ પ્રતિભાવ લીધા હતા.

હર્ષ સંઘવી ૨૭થી ૨૯ નવેમ્બર સુધી આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, સંગઠન બેઠક યોજી હતી તેમજ સ્થાનિક આદિવાસી સમુદાય સાથે ‘ખાટલા બેઠક’ અને ભજન-ભોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત હાફેશ્વર મહાદેવ મંદિરે દર્શન, પ્રવાસન સ્થળોની મુલાકાત, ‘યુવા સંવાદ’, વહીવટી સમીક્ષા બેઠક અને લોકદરબાર દ્વારા લોકોની રજૂઆતો સાંભળી હતી. પ્રવાસના અંતિમ દિવસે તેઓ પાનવડ, પાનીબર અને જેતપુર પાવી તાલુકામાં વિવિધ કાર્યક્રમો તથા સંતો-મહંતોના આશીર્વાદ લઈ પ્રવાસ પૂર્ણ કરશે.